Vadodara

વડોદરા : રૂપિયાની લેતી દેતીમાં યુવક પર જીવલેણ હુમલો કર્યા બાદ ખાડામાં ફેંકી દીધો

કારેલીબાગમાં રહેતા યુવકે મિત્રને ઉછીના રૂપિયા આપ્યા હોય તેની માંગણી કરતા સાગરીતો સાથે મળી માર માર્યો
ફાયર બ્રિગેડની મદદથી યુવકને બહાર કાઢ્યા બાદ પરિવારે સારવાર માટે ખસેડયો

વડોદરા તા.1

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ઉછીના આપેલા રૂપિયા માગવા ગયેલા 17 વર્ષના યુવક પર તેના જ મિત્ર અને સાગરીતોએ જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતાં ચકચાર મચી ગઈ છે. ઇજાગ્રસ્ત યુવકને બાદમાં બાંધકામ સાઇટના ખાડામાં ફેંકી દેવામાં આવ્યો હતો, જેને પરિવારજનોએ અગ્નિશામક દળની મદદથી બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ઉદાસ સર્કલ પાસે જલારામનગરમાં રહેતા મુકેશભાઈ બચુભાઈ માળીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમનો 17 વર્ષનો દીકરો શ્યામે મિત્ર શૈલેષને ઉછીના રૂપિયા આપ્યા હતા. ત્યારે ગત 29 એપ્રિલના રોજ સાંજે પોતાના પુત્ર તેની
પાસે ઉછીના આપેલા રૂપિયા લેવા માટે ગયો હતો.
દરમિયાન શૈલેષે રૂપિયા આપવાનો ઇનકાર કરી યુવક સાથે દાદાગીરી કરી અશ્લીલ ગાળો આપી હતી. બાદમાં લોખંડની પાઈપ વડે તેના માથામાં હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. ઉપરાંત શૈલેષના અજાણ્યા સાગરીતોએ પણ યુવક પર હુમલો કર્યો હતો.
હુમલા બાદ શ્યામ રિક્ષામાં ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે શૈલેષ અને તેના સાગરીતોએ તેનો પીછો કરી એલ એન્ડ ટી સર્કલ પાસે રિક્ષા ઉભી રખાવી દીધી હતી. ત્યારબાદ યુવકને ક્રોમા મોલ પાછળ આવેલી નવી બાંધકામ સાઇટ પર લઈ જઈ ફરીથી માર માર્યો હતો.
હુમલાખોરોએ ત્યારબાદ ઇજાગ્રસ્ત હાલતમાં યુવકને ખાડામાં ફેંકી દીધો હતો. બનાવની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ફાયર બ્રિગેડની મદદથી યુવકને ખાડામાંથી બહાર કાઢ્યો હતો.
ઇજાગ્રસ્ત યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પિતાની ફરિયાદના આધારે બાપોદ પોલીસે
આરોપી શૈલેષ અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તેમને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top