Gujarat

સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓના વોર્ડમાં કાંટે કી ટક્કર

પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં ભાજપ માટે પડકાર, ‘આપ’ સાથે સીધી જંગ જેવી સ્થિતિ

સુરત શહેરના સૌરાષ્ટ્રવાસીઓ અને પાટીદાર પ્રભાવ ધરાવતા વિસ્તારોમાં આ વખતે મનપાની ચૂંટણીમાં ભાજપ માટે સ્થિતિ અગાઉ કરતાં વધુ પડકારજનક બની હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. આવા વોર્ડોમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી અને કાંટે કી ટક્કર જોવા મળી રહી છે.

ભાજપના પરંપરાગત ગઢમાં પણ સ્પર્ધા તીવ્ર
પાટીદાર વસતિ ધરાવતા વિસ્તારોમાં અગાઉ ભાજપનું મજબૂત પ્રભુત્વ રહ્યું છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં સ્થાનિક સ્તરે ઉમેદવારો સામે અસંતોષ અને આંતરિક વિરોધના કારણે કેટલાક વોર્ડમાં ભાજપ માટે 100 ટકા સફળતા મેળવવી મુશ્કેલ બનતી દેખાઈ રહી છે. સ્થાનિક ધારાસભ્યો દ્વારા ઉમેદવારોને સમર્થન આપવા છતાં મેદાનમાં ભાજપના ઉમેદવારોને અપેક્ષા કરતાં વધુ પડકારનો સામનો કરવો પડ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

‘આપ’નો પ્રભાવ વધારવાનો પ્રયાસ
વર્ષ 2021ની ચૂંટણીમાં પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાંથી નોંધપાત્ર સફળતા મેળવનાર આમ આદમી પાર્ટી આ વખત આવા વિસ્તારોમાં પોતાનું સ્થાન મજબૂત કરવાની કોશિશમાં છે. સાથે સાથે શહેરના અન્ય વિસ્તારોમાં પણ ‘આપ’ પગ પેસારો કરે છે કે નહીં તે મુદ્દે રાજકીય વિશ્લેષકોની નજર કેન્દ્રિત રહી છે. કેટલાક વોર્ડમાં ભાજપ સામેના અસંતોષનો લાભ ‘આપ’ને મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિક ધારાસભ્યોની સક્રિયતા છતાં અનિશ્ચિતતા
આ ચૂંટણીમાં સ્થાનિક ધારાસભ્યો દ્વારા ઉમેદવારોને જીતાડવા માટે ખાસ મહેનત કરવામાં આવી હોવા છતાં, મેદાનમાં સર્જાયેલી પરિસ્થિતિને કારણે કેટલાક વોર્ડમાં પરિણામ અંગે અનિશ્ચિતતા યથાવત છે. આ કારણે સૌરાષ્ટ્રવાસીઓ અને પાટીદાર વસતિ ધરાવતા વિસ્તારોમાં મતગણતરીના પરિણામો ખાસ રસપ્રદ બની શકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

Most Popular

To Top