સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના કૌશલ્ય વિકાસ કેન્દ્રનો સર્જનાત્મક પ્રયાસ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં યુવાનોમાં જાગૃતિ
આવતીકાલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ, સુરત હેઠળ સંચાલિત કૌશલ્ય વિકાસ કેન્દ્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનોખી અને પ્રેરણાદાયક પહેલ હાથ ધરવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત સુરતની દીકરીઓએ પોતાના હાથ પર સુંદર મહેંદી ડિઝાઇન દ્વારા મતદાન અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન યુવતીઓએ પોતાના હાથ પર “મતદાન કરો”, “100% મતદાન” જેવા સંદેશો લખાવી લોકોમાં મતા ધિકારનો ઉપયોગ કરવા માટે પ્રેરણા આપી હતી. આ અનોખા મહેંદી અભિયાન દ્વારા સમાજમાં ખાસ કરીને યુવાનોમાં લોકશાહી પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ભાગ લેનાર દીકરીઓએ જણાવ્યું હતું કે દેશની લોકશાહી મજબૂત બનાવવા માટે દરેક નાગરિકનું મતદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવા સર્જનાત્મક પ્રયાસો દ્વારા લોકો સુધી સરળ અને અસરકારક રીતે જાગૃતિનો સંદેશ પહોંચાડી શકાય છે.
સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના આગેવાનોના જણાવ્યા મુજબ, આવા કાર્યક્રમો સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવવાનું મહત્વનું કાર્ય કરે છે અને યુવાનોને રાષ્ટ્રપ્રતિ વધુ જવાબદાર બનાવવામાં મદદરૂપ બને છે.
આ જાગૃતિ અભિયાનમાં મોટી સંખ્યામાં દીકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ પહેલ સ્થાનિક સ્તરે મતદાન ટકાવારી વધારવામાં પ્રેરણારૂપ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.