Life Style

સ્ટડી સાથે બિઝનેસ કરી આત્મનિર્ભર બન્યા સ્ટુડન્ટ્સ

યંગ જનરેશનના વિચારો હવે બદલાયા છે. જ્યાં પહેલાં સ્કૂલ કે કોલેજની હાઈ લેવલની સ્ટડી કરતા હતા ત્યારે તેમનો ટાર્ગેટ સારા માર્ક્સ મેળવવા અને ફ્રી સમયમાં મિત્રો સાથે મોજ મજામાં સમય વિતાવવો આ ચિત્ર હતું જે હવે બદલાયું છે. હવે કેટલાંય વિદ્યાર્થીઓ ‘સ્ટુડન્ટપ્રેન્યોર’ બનીને પોતાની સ્ટડી સાથે કાંઈક સાઇડ બિઝનેસ કરીને સારી ઇન્કમ ઉભી કરવા લાગ્યાં છે. ભણવાની સાથે બિઝનેસ કરીને યુવાઓ માત્ર આર્થિક રૂપથી ઇન્ડિપેન્ડન્ટ બની રહ્યાં છે એટલું જ નથી પણ તેઓ સાથે વ્યવહારુ જ્ઞાન પણ મેળવી રહ્યાં છે. સુરતી સ્ટુડન્ટ્સ એવા બિઝનેસ શરૂ કરી રહ્યા છે જેમાં ઇન્વેસ્ટમેન્ટ ઓછું કરવું પડતું હોય. સાઈડ પર નાના મોટા બિઝનેસ કરીને યંગસ્ટર્સ પોતાની પોકેટમની જાતે જ ઊભી કરી રહ્યાં છે. ચાલો આપણે સુરતના આવા યંગસ્ટર્સને મળી તેઓ કેવા પ્રકારના બિઝનેસ કરી રહ્યાં છે અને કેમ અભ્યાસ દરમિયાન બિઝનેસ કરવાનો આઈડિયા આવ્યો અને તેમના આ સાહસને લોકો તરફથી કેવો રિસ્પીન્સ મળી રહ્યો છે તે પણ જાણીએ…

ત્રણ સ્ટુડન્ટસે વેકેશનના ખાલી સમયમાં કોલ્ડ કોફી અને મિલ્કશેકનો બિઝનેસ શરૂ કર્યો
પ્રથમ પેંગાવાલા અને શ્રેયાંશ તથા શિવમ ત્રણે કલાસ મેટ છે. તેમની 12માં ધોરણની પરીક્ષા પત્યા બાદ વેકેશનના ખાલી સમયનો સદુપયોગ થાય અને સાઈડ ઇન્કમ મળી રહે તે માટે આ મિત્રોએ યુનિવર્સીટી પાસે કોફી કાર્ટ લગાવી કોલ્ડ કોફી અને મિલ્કશેક વેચવાનું શરૂ કર્યું છે. પ્રથમે જણાવ્યું કે, અમે ત્રણે મિત્રોએ વિચાર્યું હતું કે ખુદના ખર્ચ માટે પેરેન્ટ્સ પાસે પૈસા માંગવા કરતા ખુદનો બિઝનેસ શરૂ કરીએ. અમે પેરેન્ટ્સને આ વાત કરી તેમના સપોર્ટથી કસ્ટમાઇઝડ કાર્ટ બનાવી બિઝનેસ શરૂ કર્યોઅમે દિવસમાં 30થી 35 કોલ્ડ કોફીની બોટલ સેલ કરીએ છીએ. હાલ સાંજે 6 થી રાત્રે 11 વાગ્યાં સુધી આ બિઝનેસ માટે સમય આપીએ છીએ. સુરતી કોફી લવર્સને અમે હેઝલનટ, મોકા, વેનીલા, કેરેમલ, અને આઇસ્ડ કોફી સર્વ કરીએ છીએ. સ્ટુડન્ટ હોવા છતાં અમે અત્યારથી જ સેલ્ફ ડિપેન્ડન્ટ બની રહ્યાં છીએ તે માટે અમને લોકો એપ્રિશિએટ કરે છે.
સ્ટડી સાથે બેલનું શરબતનો બિઝનેસ લોકોને ઇન્સપાયર કરી રહ્યો છે


કૌશિક મિશ્રા ગરમીમાં પેટને ઠંડક પહોંચાડતું બેલ (બિલા)નું જ્યુસ વેચીને તેની કમાણીમાંથી CAની સ્ટડીનો ખર્ચો ઉઠાવી રહ્યા છે. કૌશિકે જણાવ્યું કે, મારા ફાધર ફ્રૂટ્સનો બિઝનેસ કરે છે. ફાધર પર સ્ટડીનો ખર્ચો નાખવો એના કરતાં જાત મહેનતથી કમાવાનો વિચાર મારા મનમાં આવ્યો એટલે મેં બેલનું શરબત અને બેલ ફ્રુટ વેચવાનું શરૂ કર્યું. હમણાં હું CA ફાયનલની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું. આ પરીક્ષાના રજીસ્ટ્રેશનની ફિઝ હું આ બિઝનેસમાંથી જે પ્રોફિટ મળશે તેમાંથી ચૂકવીશ. હું સવારે 7.30 વાગ્યાંથી બેલનું શરબત વેચવાનું શરૂ કરું છું તે રાત્રીના 9-10 વાગ્યાં સુધી જ્યુસ વેચવાનું કામ કરૂં છું. લોકોને ખબર પડતાં કેટલાક પેરેન્ટ્સ તેમના બાળકોને અહીં લઈ આવે અને મારી મહેનત વિશે જણાવી મારમાંથી પ્રેરણા લેવા તેમના બાળકોને કહેતા હોય છે. હું CA સાથે આ કામ કરૂં છું તે જાણ્યા બાદ મને ઘણી રિસ્પેક્ટ આપે છે. હું આ નાનકડો બિઝનેસ ખાસ તો મારી સ્ટડીનો ખર્ચો ઉઠાવવા જ કરી રહ્યો છું.
થીમ પ્રમાણે કેફેઝ, બંગલો, ફ્લેટમાં પ્લાન્ટેશન (લેન્ડસ્કેપિંગ) કરી આપે
મિત પટેલ B.B.A.ની સ્ટડી કરી રહ્યા છે. તેઓ અભ્યાસની સાથે એકદમ યુનિક કહેવાય તેવો ઘરની બાલ્કની, બંગલો, કેફેઝમાં પ્લાન્ટેશન કરી આપવાનો બિઝનેસ કરે છે. મિત પટેલે જણાવ્યું કે, મને એક અલગ જ પ્રકારના લેન્ડસ્કેપિંગનો બિઝનેસ કરવાની ઈચ્છા થઈ પણ એ માટે નોલેજ તો જોઈએ એટલે મેં યુ-ટ્યુબ પરથી લેન્ડસ્કેપિંગ બાબતે સ્ટડી કરી. મારી કઝીન સિસ્ટરના હસબન્ડ આર્કિટેક્ટ છે તેમના કોન્ટેક્ટથી નવા બાંધકામ પ્રોજેકટમાં થીમ પ્રમાણે નોવેલ્ટી વાળા પ્લાન્ટ જે કોઈએ પહેલા જોયા નહીં હોય તેવા પ્લાન્ટ હોલસેલમાં મેળવી યુનિક અને ડિસન્ટ પ્લાન્ટેશન કરી આપ્યું જે તેમને ગમ્યું. આજકાલ Gen-Z માટેના કેફેઝ પણ હોય છે તેવા એક કેફેમાં કલરફુલ પ્લાન્ટ્સ મેળવી લેન્ડસ્કેપિંગ કરી આપ્યું હતું. કોઈ કલાયન્ટ અમને પ્લાન્ટેશન માટે પ્રોજેકટ સોંપે એટલે અમે ત્યાંના ફોટો કેપ્ચર કરી 3Dમાં આખું લેન્ડસ્કેપિંગ તૈયાર કરી ક્લાયન્ટને બતાવીને પછી સાઇટ પર લેન્ડસ્કેપિંગ કરીએ.
1500 રૂ. થી સ્ટાર્ટ કરેલા એન્ટી ટાર્નિશ જવેલરીના બિઝનેસને સારો રિસ્પોન્સ મળ્યો


માન્યા શેઠ CA (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)ની સ્ટડી કરી રહ્યાં છે. તેણે જણાવ્યું કે, એન્ટી ટાર્નિશ જવેલરી પરસેવાથી કાળી નથી પડતી. મને આ જવેલરી ગમતી હતી એટલે 8 મહિના પહેલા મને આ જવેલરીના બિઝનેસનો આઈડિયા આવ્યો. મેં માત્ર 1500 રૂપિયાથી આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો. એન્ટી ટાર્નિશ જવેલરીમાં નેકલેસ, નેકપિન, બ્રેસલેટ, ઇયરિંગ્સ, વેસ્ટ ચેઇન આ જવેલરી ખૂબ વેચાય રહી છે. મેં બિઝનેસ મારા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલથી શરૂ કર્યો હતો. મારી જવેલરીનું સેલિંગ છત્તીસગઢ, પલસાણા, નવસારી, મુંબઈ, મહારાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં થઈ રહ્યું છે. સુરતના કસ્ટમર ઘરેથી આવીને જવેલરી જોઈને ખરીદી કરે છે. જ્યારે પણ મારી પરીક્ષા હોય ત્યારે મારા બિઝનેસને મારી સિસ્ટર અને મમ્મી હેન્ડલ કરે છે.
M.Com.ની સ્ટડી સાથે મહેંદીના કોન બનાવી સેલિંગ કરે છે


ખુશી જાદવ M.Com.ની સ્ટડી કરવાની સાથે મહેંદીના કોન બનાવી તેનું પેકેજીંગ કરીને સેલિંગ કરે છે. ખુશીએ જણાવ્યું કે હું 8મા ધોરણમાં હતી ત્યારે મને પેરેન્ટ્સે મહેંદી કલાસમાં મોકલી હતી. 10માં ધોરણથી મહેંદી મુકવા જવા લાગી એનાથી મારી કમાણી ચાલુ થઈ ગઈ. પછી મહેંદીના કોન બનાવવા લાગી અને સેલ કરવા લાગી. આમ તો રોજના 50થી 70 મહેંદી કોન બનાવું અને સેલ કરું પણ લગ્ન સીઝનમાં અને ફેસ્ટિવલ્સ સમયે 400થી 500 કોન બનાવીને સેલ કરું. મહેંદીના કોન બનાવવામાં મને સિસ્ટર, કઝીન હેલ્પ કરે. હું આ બિઝનેસ પણ કન્ટીન્યુ રાખવા માંગુ છું અને સ્ટડી પણ. મને મારી ફેમિલીનો સારો સપોર્ટ મળે છે.
10માં ધોરણમાં હતી ત્યારથી પેઇન્ટિંગ્સ કરીને સેલ કરે છે


મોનીકા અંકોલીયા હાલ ફાઇન આર્ટ્સની સ્ટડી કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે મને બાળપણથી આર્ટિસ્ટ બનવાની ઈચ્છા હતી. 10માં ધોરણમાં હતી ત્યારથી હું પેઇન્ટિંગ્સ બનાવીને સેલ કરવા લાગી હતી. તેની આવકમાંથી જ હું સ્કૂલની ફી ભરતી અને અત્યારે પણ કોલેજનો ખર્ચો મારી આ આવકમાંથી જ ઉઠાવું છું. હું કમિશન પેઇન્ટિંગ્સ બનાવું છું. મારા તૈયાર કરેલા મધુબની અને વોલ પેઇન્ટિંગ્સ પણ લોકોને ગમે છે. કોલેજ કરવાની સાથે દિવસ રાત હું આ જ કામ કરૂં છું. કમિશન પેઇન્ટિંગ્સ એટલે લોકોના ઓર્ડર પ્રમાણે બનાવવામાં આવતા પેઇન્ટિગ્સ. આમાં ખાસ તો લોકો પોતાની ફેમિલીના પેઇન્ટિંગ્સ બનાવે. મને મારી આ કળા માટે સ્ટેટ લેવલ પર ત્રણ વખત રેન્ક મળ્યો છે. મેં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) માટે પણ પેઇન્ટિંગ બનાવ્યું હતું જે RBI એ ડિસ્પ્લે પણ કર્યું હતું.

Most Popular

To Top