Vadodara

ધો.5થી 8માં નાપાસ વિદ્યાર્થીની પુનઃ પરીક્ષા લઈને પાસ કરવાના કારણે નાપાસની નીતિ કાગળ પર

આખું વર્ષ ન ભણીને પાસ ન થઈ શકનારા વિદ્યાર્થીઓ બે માસમાં કેવી રીતે ભણીને પાસ થશે તે પ્રશ્ન

વધારાનું શિક્ષણ આપીને તેની ફરીવાર પરીક્ષા લઈને જો પાસ થતાં હોય તો આગળના વર્ષમાં મોકલી આપવાના રહેશે

( પ્રતિનિધિ )વડોદરા,તા.23

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે સરકાર દ્વારા ધોરણ પાંચમી થી 8માં નાપાસ કરવાની નીતિ અમલમાં મૂકવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર રહે અને તેઓ વાંચનનું શિક્ષણ મજબૂત કરે તેવો હતો. જોકે, શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે બહાર પાડવામાં આવતા પૂરક પરીક્ષાના પરિપત્રના કારણે વિદ્યાર્થીની બે માસમાં પરીક્ષા લઈને પાસ કરવા પડતાં હોવાના કારણે આ નીતિના મૂળ હેતુ પર જ પાણી ફરી વળ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને જે તે સમયે ધો.1થી 8માં નાપાસ ન કરવા તેવી નીતિ અમલમાં હતી. આ પ્રકારની નીતિના કારણે ધો.5માં આવ્યા પછી વિદ્યાર્થીને વાંચતા-લખતાં પણ આવડતું ન હોય તેવા કિસ્સાઓ બહાર આવતાં હતા. જેના કારણે ધો.6થી 8માં જે વિદ્યાર્થીઓ ખરેખર પાસ થઈ શકે તેમ ન હોય તેને નાપાસ કરવા તેવું નક્કી કરીને નાપાસ કરવાની નીતિ લાગુ કરવામાં આવી હતી. જોકે, આ પ્રકારની નીતિના કારણે વિદ્યાર્થીઓ નાપાસ થવાના ડરના કારણે મહેનત કરતાં હતા. જોકે, આ નીતિ લાગુ કર્યા બાદ જે વિદ્યાર્થીઓ ધો.5થી 8માં નાપાસ થયા હોય તેના માટે અલગથી વ્યવસ્થા લાગુ કરવામાં આવી હતી. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા એવી સૂચના આપવામાં આવી હતી કે, જે વિદ્યાર્થીઓ ધો.5થી 8માં નાપાસ થયા હોય તેમને બે માસ સુધી વધારાનું શિક્ષણ આપીને તેની ફરીવાર પરીક્ષા લઈને જો પાસ થતાં હોય તો આગળના વર્ષમાં મોકલી આપવાના રહેશે. આમ, સરવાળે બે માસ પછી વિદ્યાર્થીને વધારાનું જ્ઞાન આપીને પરીક્ષા લઈને પાસ કરીને આગળ મોકલી દેવા તેવું નક્કી કરવામાં આવ્યું હતું. શિક્ષણવિદોનું કહેવું છે કે, શિક્ષણ વિભાગના આ પ્રકારના આદેશના કારણે જે વિદ્યાર્થી સમગ્ર વર્ષ દરમિયાન અભ્યાસ કરીને પાસ થઈ શક્યો નથી તેના વધારા ના બે માસમાં શિક્ષકો દ્વારા એવું શું ભણાવવામાં આવશે કે તે પોતાની મહેનતથી પાસ થઈ શકશે તે પ્રશ્ન છે. સ્કૂલોએ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે વધારાની પરીક્ષા લઈ પાસ જ કરવાના હોય તો મોટાભાગના સ્કૂલો વિદ્યાર્થીઓને નાપાસ કરવાને બદલે કોઈપણ ભોગે પાસ કરીને આગળના વર્ષમાં મોકલશે. આમ સરવાળે વિદ્યાર્થી નાપાસ કરવાની નીતિ અમલમાં હોવા છતાં વિદ્યાર્થીઓને નાપાસ કરવા કરતાં પાસ કરીને આગળ મોકલી દેવાનો જ સ્કૂલો પ્રયાસ કરશે તેવું નક્કી છે.

ધો. 5 અને 8માં નાપાસ કરવાની નીતિનો ફિયાસ્કો થાય તેવી સ્થિતિ :

વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર રહે અને વાંચન-લેખન મજબૂત થાય તે માટે નાપાસ કરવાની નીતિ’ લાગુ કરાઈ. નાપાસ થયેલા વિદ્યાર્થીને 2 માસ વધારાનું શિક્ષણ આપીને ફરી પરીક્ષા લેવાની અને પાસ થાય તો આગળના ધોરણમાં મોકલવાની સૂચના. આખું વર્ષ ન ભણી શકનાર વિદ્યાર્થી બે માસમાં કેવી રીતે તૈયાર થઈને પાસ થશે? શિક્ષણવિદોના મતે, સ્કૂલો નાપાસ કરવાને બદલે ગમે તે ભોગે વિદ્યાર્થીને પાસ કરીને આગળ મોકલશે. નાપાસ કરવાની નીતિ માત્ર કાગળ પર રહી જશે, મૂળ હેતુ સિદ્ધ નહીં થાય.

Most Popular

To Top