અમદાવાદ: આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે આંકલાવમાં એક ચૂંટણીસભામાં ભાજપના સાંસદના નિવદેનના વિરૂદ્ધ કોગ્રેસે ચૂંટણી પંચમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.
ગત તા. ૨૦ એપ્રિલના રોજ આણંદના આંકલાવમાં ભાજપની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સભામાં રાજ્યના ઉપમુખમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. દરમિયાન, આણંદના સાંસદ મિતેશ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન કરવામાં આવ્યું હતું. જેને લઈ વિવાદ ઊભો થયો છે.
આ વિવાદાસ્પદ ભાષણને પગેલે પ્રદેશ કોગ્રેસએ રાજ્ય ચૂંટણી આયોગના સચિવને પત્ર લખીને ફરિયાદ કરી છે. જેમાં જણાવ્યું છે કે સાંસદે પોતાના સંબોધનમાં જો આંકલાવ તાલુકામાં કોંગ્રેસના ઉમેદવારો જીતશે તો તેમને વિકાસ માટેની ગ્રાન્ટ આપવામાં આવશે નહીં. આ પ્રકારનું નિવેદન મતદારોને ધમકાવતું અને ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવાનું હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે. આ નિવેદનથી મતદારોમાં ભયનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ થયો છે, જે આદર્શ આચાર સંહિતાનો ભંગ ગણાય છે. સાથે જ ઉપમુખમંત્રીની હાજરીનો ઉલ્લેખ કરીને સરકાર તરફથી પણ આવા નિર્ણયોને સમર્થન મળશે એવો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે. આ મુદ્દે રાજ્ય ચૂંટણી આયોગને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. તેમજ ફરિયાદમાં આચાર સંહિતાના ભંગ બદલ કડક પગલાં લેવા અને મતદારોને ધમકાવવાના આક્ષેપ હેઠળ ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.