તામિલનાડુના મુખ્યમંત્રી અને ડીએમકે પ્રમુખ એમ.કે. સ્ટાલિને એક ચૂંટણી રેલી દરમિયાન કેન્દ્ર સરકાર પર તીખો પ્રહાર કરતા જણાવ્યું કે તેઓ હંમેશા એવા લોકો માટે ખતરો બની રહેશે, જે તામિલનાડુના હિતો સામે કામ કરે છે. તેમના આ નિવેદનથી રાજ્યની રાજનીતિમાં ફરી ગરમાવો જોવા મળ્યો છે. સ્ટાલિને પોતાના ભાષણમાં કહ્યું કે જે કોઈ પણ તામિલનાડુના વિકાસમાં અવરોધ ઉભો કરે છે અથવા રાજ્ય સાથે દગો કરે છે, તેમના માટે તેઓ કડક રીતે ઉભા રહેશે. તેમણે કેન્દ્ર સરકારની કેટલીક નીતિઓ, ખાસ કરીને સીમાંકન (delimitation) મુદ્દે, ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતો. તેમના મુજબ, આ પ્રક્રિયાનો ઉપયોગ તામિલનાડુ જેવા સારું પ્રદર્શન કરનારા રાજ્યોને સજા આપવા માટે થઈ રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારની આક્રમક નીતિઓ રાજ્યના અધિકારો અને વિકાસને અસર કરી રહી છે. સ્ટાલિને જણાવ્યું કે તામિલનાડુએ હંમેશા અર્થતંત્ર, શિક્ષણ અને સામાજિક વિકાસમાં આગળ રહેવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આવી નીતિઓ રાજ્યની પ્રગતિને ધીમી બનાવી શકે છે.
સ્ટાલિને પોતાના નિવેદનમાં 2021ની વિધાનસભા ચૂંટણી દરમિયાન થયેલી ટિપ્પણીઓનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ત્યારે કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે સ્ટાલિન કલૈગ્નર (એમ. કરુણાનિધિ) કરતાં વધુ ખતરનાક છે. આ મુદ્દે પ્રતિક્રિયા આપતા સ્ટાલિને સ્પષ્ટ કર્યું કે તેમની સરખામણી તેમના પિતા અને દ્રવિડ આંદોલનના દિગ્ગજ નેતા કરુણાનિધિ સાથે ક્યારેય થઈ શકે નહીં. તેમણે ભાવુક અંદાજમાં કહ્યું કે કરુણાનિધિ તેમના માટે ફક્ત પિતા જ નહોતાં, પરંતુ એક પ્રેરણાદાયી નેતા હતા. મેં તેમને હંમેશા નેતા તરીકે જ જોયા છે, એમ તેમણે ઉમેર્યું. સ્ટાલિને જણાવ્યું કે જો કોઈ તેમને ખતરનાક કહે છે, તો તે માત્ર એ અર્થમાં છે કે તેઓ અન્યાય સામે મજબૂતીથી ઊભા રહે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શેર કરેલા એક વિડિયો સંદેશમાં સ્ટાલિને પોતાના વિચારોને વધુ સ્પષ્ટ કર્યા. તેમણે કહ્યું કે તેઓ એવા દરેક વ્યક્તિ માટે ખતરો છે, જે તમિલનાડુના હિતોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. તેમના આ નિવેદનને સમર્થકો દ્વારા મજબૂત નેતૃત્વના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. રાજકીય વિશ્લેષકોના મતે, સ્ટાલિનનું આ નિવેદન આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હોઈ શકે છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ચાલી રહેલા મતભેદોને ધ્યાનમાં રાખીને, ડીએમકે આ મુદ્દાઓને રાજકીય રીતે ઉઠાવી રહી છે. ખાસ કરીને સીમાંકન અને રાજ્યના અધિકારો જેવા મુદ્દાઓ દક્ષિણ ભારતના રાજ્યોમાં ચર્ચાનો વિષય બન્યા છે.