ગાંધીનગર,
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર અર્થે વેરાવળ તાલુકાના વાવડી-આદ્રી ગામે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’માં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ સભામાં ખારવા સમાજના અગ્રણી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પોતાના સેંકડો સમર્થકો સાથે ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.
જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીએ દેશમાં કોંગ્રેસની પ્રાંતવાદ, ભાષાવાદ અને જ્ઞાતિવાદની વર્ષો જૂની નકારાત્મક રાજનીતિને જાકારો આપીને ‘વિકાસવાદ’ને કેન્દ્રસ્થાને સ્થાપિત કર્યો છે. તેમણે ઉમેર્યું કે, અગાઉ જે વિસ્તારોમાં પાણી માટે ટ્રેનો મોકલવી પડતી હતી, ત્યાં આજે ‘સૌની યોજના’ અને નલ સે જલ યોજના દ્વારા દરેક ઘરે પાણી પહોંચ્યું છે. રાજ્યમાં ૨૪ કલાક વીજ પુરવઠો એ ભાજપ શાસનની મોટી સિદ્ધિ છે.
વિસ્તારના વિકાસ અંગે વાત કરતા પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે, “વેરાવળમાં જે પણ વિકાસ કાર્યો થયા છે તે ભાજપના જાગૃત સંગઠન અને સાંસદની સક્રિયતાને આભારી છે. ખૂબ જ અલ્પ અંતરથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય સંપૂર્ણપણે નિષ્ક્રિય રહ્યા છે.” તેમણે કાર્યકર્તાઓને બિરદાવતા કહ્યું કે, પડકારની સામે પરિશ્રમ કરીને પરિણામ આપે તે જ સાચો ભાજપનો કાર્યકર્તા છે.
કોસ્ટલ હાઈવે અને સાંસ્કૃતિક ઉત્થાન
- કનેક્ટિવિટી: કોસ્ટલ હાઈવેના નિર્માણથી દરિયાકાંઠાના વિસ્તારોમાં કનેક્ટિવિટી વધશે અને આર્થિક વિકાસને નવી દિશા મળશે.
- સાંસ્કૃતિક વિરાસત: સોમનાથ કોરિડોર, અંબાજીનો વિકાસ, પાવાગઢ ખાતે ૪૫૦ વર્ષ બાદ ધ્વજારોહણ અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ એ ભાજપ સરકારની સાંસ્કૃતિક કટિબદ્ધતાના પ્રતીકો છે.
ખેડૂતો માટે સરકારે લીધેલા નિર્ણયોની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે , અતિવૃષ્ટિ માટે જાહેર કરાયેલ ૧૦,૦૦૦ કરોડનું પેકેજ અને ટેકાના ભાવે ખરીદી માટેના ૧૫,૦૦૦ કરોડના ઉપાયો ખેડૂતોની સમૃદ્ધિ માટે છે. સાથે જ અમૂલના સહયોગથી પ્રાકૃતિક ખેતીને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસમાં ગાબડું: અનેક નેતાઓ ભાજપમાં જોડાયા
સભા દરમિયાન ખારવા સમાજના અગ્રણી અને કોંગ્રેસના નેતા લલિત લખમભાઈ તેમજ પૂર્વ તાલુકા પંચાયત કોંગ્રેસ નેતા પરબત મેરુભાઈ સોલંકી પોતાના સેંકડો સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. પ્રદેશ અધ્યક્ષે સૌને કેસરીયો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા.