ગાંધીનગર,
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર અર્થે મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’માં રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે હજારોની મેદનીને સંબોધિત કરી હતી. તેમણે માનગઢના વીરો અને ગોવિંદ ગુરુને ભાવવંદન કરી ભાજપ સરકારની વિકાસની રાજનીતિ અને આદિવાસી કલ્યાણના કાર્યો પર ભાર મૂક્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીએ દેશ અને ગુજરાતમાં વિકાસની જે નવી પરિપાટી શરૂ કરી છે, તેનો સીધો લાભ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે. આજે ભાજપ જનતા માટે કરેલા કાર્યોના આધારે ચૂંટણી મેદાનમાં છે અને લોકોમાં જોવા મળી રહેલો ઉત્સાહ ભાજપ પ્રત્યેનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે.
તેમણે કહયું હતું કે ગરીબ અને મધ્યમ વર્ગની આરોગ્ય વિષયક ચિંતા કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગથી લઈને આયુષ્માન ભારત યોજના સુધીની શ્રેષ્ઠ વ્યવસ્થા કરી છે, જેના કારણે ગંભીર બીમારીઓમાં પણ જરૂરિયાતમંદોને મફત સારવાર મળી રહી છે. વધુમાં તેમણે પાયાની સુવિધાઓ પર ભાર મૂકતા ઉમેર્યું કે, આજે પાણી, વીજળી અને રોડ-રસ્તા જેવી સુવિધાઓ ગામેગામ પહોંચી છે, જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ગરીબ પરિવારોના પોતાના ઘરના સપના સાકાર થયા છે. આમ, સરકારે છેવાડાના માનવીના જીવનધોરણને ઊંચું લાવવા માટે નક્કર કામગીરી કરી છે.
આદિવાસી કલ્યાણ અંગે મુખ્યમંત્રીએ મક્કમતાથી જણાવ્યું હતું કે, વડાપ્રધાને ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને ‘જનજાતિ ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાની શરૂઆત કરી આદિવાસી સંસ્કૃતિને ઉચિત સન્માન આપ્યું છે. વર્ષો જૂની આદિવાસી સમસ્યાઓનું સમાધાન લાવીને સરકારે સકારાત્મક પરિણામો આપ્યા છે.
મુખ્યમંત્રીએ નાગરિકો માટે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, મહેસૂલના નિયમોમાં ઐતિહાસિક સુધારો કરવામાં આવ્યો છે. હવે જમીનની નવી શરતમાંથી જૂની શરતમાં ફેરફાર માટે અરજી કરવાની જરૂર રહેશે નહીં, તે સીધું જ ૭-૧૨ના ઉતારામાં પ્રતિબિંબિત થશે. ઉપરાંત, ગોધર અને કોઠંબા જેવા નવા તાલુકાઓની રચનાથી વહીવટી સરળતા વધશે.અંતમાં, મુખ્યમંત્રીએ વિપક્ષી પ્રલોભનોથી સાવચેત રહેવા અપીલ કરી હતી અને ‘વિકસિત ગુજરાત’ના સંકલ્પ સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા જનતાને આહ્વાન કર્યું હતું.