અમદાવાદ : બનાસકાંઠા: જિલ્લામાં પોલીસે ચાર રાજ્યોમાં ફેલાયેલા મોટા બાળ તસ્કરી નેટવર્કનો પર્દાફાશ કરી પોલીસે મુખ્ય સૂત્રધાર મુર્ગન સહિત તેના બે સાગરીતોની ધરપકડ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ બાળ તસ્કરી નેટવર્ક તેલંગાણા સહિત અન્ય રાજ્યો સુધી ફેલાયેલું હતું. AI આધારિત ટેકનોલોજી દ્વારા સંદિગ્ધોની હિલચાલ અને કનેક્શન ટ્રેક કરવામાં આવતા આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મુર્ગન અને તેની પત્ની અગાઉ પણ બાળ તસ્કરીના ગુનાઓમાં સંડોવાયેલા છે અને તેમના વિરુદ્ધ અગાઉ કેસો નોંધાયેલા છે. પૂછપરછ દરમિયાન આ ગેંગ દ્વારા ચોકાવનારી કબૂલાત કરી હતી કે અત્યાર સુધીમાં 8 જેટલા માસૂમ બાળકોને જુદા જુદા રાજ્યોમાં વેચવામાં આવ્યા છે.
પોલીસ હવે આ બાળકોને ક્યાંથી અપહરણ કરવામાં આવ્યા હતા અને કોને વેચવામાં આવ્યા હતા તે અંગે વિગતવાર તપાસ કરી રહી છે. સાથે જ, આ રેકેટમાં હજુ પણ 4 થી 5 જેટલા અન્ય શખ્સોની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ આરોપીની ધરપકડના પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.