Vadodara

વડસર બ્રિજ પાસે કાર અને સળિયા ભરેલા ટ્રેલર વચ્ચે અકસ્માત,ટ્રાફિકજામ થતા વાહનચાલકો અટવાયા

ટ્રેલરે ટક્કર મારતા કાર 20 ફૂટ દૂર સુધી ધસડાઈ,ચાલકનો બચાવ

( પ્રતિનિધિ )વડોદરા,તા.20

વડોદરા શહેરના વડસર બ્રિજ પાસે અકસ્માતની ઘટના બની હતી. સળિયા ભરેલા એક ટ્રેલરે બાજુમાંથી પસાર થતી કારને ટક્કર મારતા કાર 20 ફૂટ સુધી ધસડાઈ અને ઊંધી દિશામાં ફરી ગઈ હતી. સદનસીબે કારમાં સવાર વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. જો કે અકસ્માતને લઈને સ્થળ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

વડોદરા શહેરમાં અકસ્માતોના બનાવવામાં દિવસને દિવસે નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, તેવામાં આજે વધુ એક અકસ્માતની ઘટના વડસર બ્રિજ પાસે બની હતી. જેમાં એક ટ્રેલરે કારને જોરદાર ટક્કર મારી હતી. મળતી માહિતી અનુસાર વડસર બ્રિજ પાસે આવેલી ખાનગી સ્કૂલો છુટતા સમયે આડેધડ થતા પાર્કિંગને કારણે ટ્રાફિકનું ભારણ રહેતું હોય છે અને રસ્તો સાંકડો બનતા ઘણી વખત વાહન ચાલકો વચ્ચે અંદરો અંદર ઘર્ષણ પણ થતું હોય છે. ત્યારે, આ માર્ગ ઉપરથી આજે એક કાર પસાર થઈ રહી હતી અને પાછળથી સળિયા ભરેલ ટ્રેલર આવી રહ્યું હતું. દરમિયાન ટ્રેલરે અચાનક કારને પાછળના ભાગે ટક્કર મારતા કાર 20 ફૂટ સુધી કાર ધસડાઈને ટ્રેલર આગળ આવી ગઈ હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ, કારને મોટી માત્રામાં નુકસાન થયું હતું. બીજી તરફ અકસ્માતને પગલે રોડ ઉપર ટ્રાફિક જામ થયો હતો. બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ટ્રાફિક હળવો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top