Halol

હાલોલ તાલુકા પંચાયતની 3 બેઠકો ભાજપ બિનહરીફ, બાકી બેઠકો પર ત્રિપાખીયો જંગ

ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ
જિલ્લા પંચાયતની પાંચેય બેઠકો પર ભાજપ-કોંગ્રેસ-આપ વચ્ચે સીધી ટક્કર

હાલોલ, તા. 16 એપ્રિલ
હાલોલ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ પૂર્ણ થતાં તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની બેઠકો માટેનું અંતિમ ચિત્ર સ્પષ્ટ બન્યું છે.
હાલોલ તાલુકા પંચાયતની કુલ 24 બેઠકો માટે 77 ઉમેદવારી પત્રો ભરાયા હતા. ચકાસણી દરમિયાન 18 ઉમેદવારી પત્રો અમાન્ય ઠરતાં 59 ઉમેદવારો માન્ય રહ્યા હતા. ત્યારબાદ ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખે વધુ 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતાં હવે કુલ 56 ઉમેદવારો મેદાને રહ્યા છે.
તેમાંથી કંજરી, સાથરોટા અને ઘનસર એમ ત્રણ બેઠકો પર અન્ય ઉમેદવારોના ફોર્મ ચકાસણી દરમિયાન અમાન્ય ઠરતાં ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જેમાં
કંજરી બેઠક પરથી શાંતાબેન સબુરભાઈ રાઠવા
સાથરોટા બેઠક પરથી અરવિંદભાઈ વજેસિંહ રાઠવા
ઘનસર બેઠક પરથી વિદ્યાબેન રમેશભાઈ પરમાર
બિનહરીફ ચૂંટાયા હોવાનું જાહેર થયું છે.
બાકી રહેલી 21 બેઠકો માટે કુલ 53 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે. જેમાં 21 ભાજપ, 16 કોંગ્રેસ, 15 આમ આદમી પાર્ટી અને 1 અપક્ષ ઉમેદવાર મેદાને છે. જેના કારણે તાલુકા પંચાયતની આ બેઠકો પર રસપ્રદ અને ત્રિપાખીયો ચૂંટણી જંગ જામવાનો છે તેવી લોકચર્ચા ચાલી રહી છે.
જિલ્લા પંચાયતની હાલોલ તાલુકાની 5 બેઠકો માટે પણ અંતિમ ચિત્ર સ્પષ્ટ બન્યું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 5-5 ઉમેદવારો મળી કુલ 15 ઉમેદવારો મેદાને છે. પરિણામે જિલ્લા પંચાયતની પાંચેય બેઠકો પર ત્રિપાખીયો મુકાબલો નિશ્ચિત બન્યો છે.

રિપોર્ટર: યોગેશ ચૌહાણ

Most Popular

To Top