National

નારી શક્તિ વંદન બિલમાં મહિલા ક્વોટા માટે શું શું હશે? 2029 પહેલાં અમલમાં આવશે નવું બિલ

દેશમાં મહિલાઓને રાજકારણમાં વધુ તક આપવા માટે કેન્દ્ર સરકાર હવે મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહી છે. નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ સરકાર મહિલાઓ માટે 33% અનામત લાગુ કરવા માટે સુધારેલ બિલ રજૂ કરશે. આ માટે 16થી 18 એપ્રિલ દરમિયાન સંસદનું ખાસ સત્ર બોલાવવામાં આવ્યું છે, જેમાં આ બિલ પર ચર્ચા થશે. આ બિલ નારી શક્તિ વંદન કાયદો તરીકે સપ્ટેમ્બર 2023માં પહેલેથી જ પસાર કરાયો હતો. પરંતુ તે સમયે કેટલીક ટેકનિકલ પ્રક્રિયાઓ બાકી હોવાથી તેને તરત અમલમાં મૂકવામાં આવ્યો નહોતો. હવે સરકાર તેને વધુ સ્પષ્ટ અને અસરકારક બનાવવા માટે તેમાં ફેરફાર કરીને 2029ની લોકસભા ચૂંટણી પહેલાં અમલમાં મૂકવાની તૈયારી કરી રહી છે.

નવા બિલમાં સૌથી મોટો ફેરફાર લોકસભાની બેઠકોની સંખ્યા વધારવાનો છે. હાલમાં લોકસભામાં કુલ 543 બેઠકો છે. જો આ બિલ પસાર થશે, તો આ સંખ્યા વધીને 850 થઈ શકે છે. જેમાંથી 815 બેઠકો રાજ્યો માટે અને 35 બેઠકો કેન્દ્રશાસિત પ્રદેશો માટે હશે. આ પગલાથી વધુ પ્રતિનિધિત્વ અને સંતુલિત વિકાસ શક્ય બનશે. મહિલાઓ માટે 33% અનામત 15 વર્ષ માટે લાગુ રહેશે. એટલે કે 2029, 2034 અને 2039ની લોકસભા ચૂંટણીમાં મહિલાઓને આ અનામતનો લાભ મળશે. મહત્વની વાત એ છે કે આ બેઠકો સ્થિર નહીં રહે, પરંતુ દરેક ચૂંટણીમાં બદલાશે (રોટેશન સિસ્ટમ). આથી અલગ-અલગ વિસ્તારોમાં મહિલાઓને તક મળશે અને રાજકારણમાં તેમની ભાગીદારી વધશે. આ બિલમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ની મહિલાઓ માટે પણ ખાસ અનામતની જોગવાઈ રાખવામાં આવી છે. એટલે કે, તમામ વર્ગોની મહિલાઓને સમાન તક મળે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

આ બિલનો બીજો મહત્વનો ભાગ છે સીમા નિર્ધારણ એટલે કે સીમાંકન. હાલમાં લોકસભાની બેઠકો 1971ની વસ્તી ગણતરીના આધારે નક્કી થયેલી છે. હવે નવી વસ્તી મુજબ બેઠકો અને વિસ્તારો નક્કી કરવા માટે સીમાંકન પંચ બનાવવામાં આવશે. આ પંચનું નેતૃત્વ કોઈ નિવૃત્ત અથવા હાલના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કરશે. આ કમિશન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવી સીમાઓ નક્કી કરશે, બેઠકોનું વિતરણ કરશે અને જરૂરી ફેરફારો સૂચવશે. તે જનતા પાસેથી સૂચનો પણ માંગશે જેથી વધુ પારદર્શિતા અને ન્યાયી પ્રણાલી બની શકે. બિલ પસાર થયા પછી સૌથી પહેલા સીમાંકન પંચ બનાવવામાં આવશે. આ પંચ પોતાની ભલામણો સરકારને આપશે. ત્યારબાદ સરકાર તેની મંજૂરી આપશે અને ગેઝેટ નોટિફિકેશન બહાર પાડશે. ત્યારબાદ જ નવી વ્યવસ્થા અમલમાં આવશે.

સરકારનો મુખ્ય ઉદ્દેશ છે કે આ તમામ પ્રક્રિયા 2029ની લોકસભા ચૂંટણી પહેલાં પૂર્ણ કરી દેવામાં આવે, જેથી મહિલાઓને રાજકારણમાં વધુ તક મળે અને તેમની ભાગીદારી વધે. આ પગલું દેશની લોકશાહી મજબૂત બનાવવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. પ્રધાનમંત્રી મોદીએ પણ મહિલાઓને સંબોધતા કહ્યું છે કે દેશની દીકરીઓને તેમના અધિકારો માટે વધુ રાહ જોવી ન જોઈએ. તેમણે તમામ પક્ષોને આ બિલને સમર્થન આપવા અપીલ કરી છે, જેથી આ કાયદો સરળતાથી પસાર થઈ શકે. આ બિલ મહિલાઓ માટે એક મોટો અને ઐતિહાસિક પગલું માનવામાં આવે છે. જો તે સફળતાપૂર્વક અમલમાં આવે, તો દેશની રાજનીતિમાં મહિલાઓની હાજરી અને પ્રભાવ બંનેમાં નોંધપાત્ર વધારો થશે.

Most Popular

To Top