SURAT

​ફી માટે વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રાખતા શિક્ષણ અધિકારીનો રૂ. ૧૦ હજારનો દંડ

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી એક પ્રાઈમરી સ્કૂલ દ્વારા શિક્ષણ જગતને શરમાવે તેવી ઘટના સામે આવી છે. શાળાએ બાકી ફીના મુદ્દે માસૂમ બાળકોને વાર્ષિક પરીક્ષા આપતા અટકાવ્યા હતા. આ મામલો સુરત જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) સુધી પહોંચતા, તપાસના અંતે શાળા સંચાલકોને રૂ. ૧૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે અને કડક સૂચનાઓ આપવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત સોમવારથી શાળામાં વાર્ષિક પરીક્ષાઓનો પ્રારંભ થયો હતો. જોકે, શાળાના સંચાલકોએ જે વિદ્યાર્થીઓની ફી બાકી હતી, તેમને પરીક્ષા ખંડમાં બેસવા દીધા નહોતા. આ અંગે વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે, શાળા દ્વારા ફી માટે બાળકોને માનસિક રીતે હેરાન કરવામાં આવ્યા હતા અને તેમને પરીક્ષા આપવાથી વંચિત રાખી દેવામાં આવ્યા હતા.

“શિક્ષણના નિયમ મુજબ, ફી બાકી હોવાના બહાને કોઈ પણ બાળકને પરીક્ષા આપતા અટકાવી શકાય નહીં. આ એક ગંભીર ગુનો છે. જ્યારે બાળકોને પરીક્ષા આપવા ન દેવાયા, ત્યારે રોષે ભરાયેલા વાલીઓએ તાત્કાલિક જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત ફરિયાદ કરી હતી. વાલીઓએ જણાવ્યું કે, એક તરફ સરકાર શિક્ષણના અધિકારની વાતો કરે છે, ત્યારે બીજી તરફ ખાનગી શાળાઓ ફી વસૂલવા માટે બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરી રહી છે.

આ ફરિયાદને ગંભીરતાથી લઈને જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. દીપકરાજ પરમારે તપાસના આદેશ આપ્યા હતા. તપાસમાં શાળાની ભૂલ સાબિત થતા,​શાળાને તાત્કાલિક અસરથી રૂ. ૧૦,૦૦૦નો દંડ કરવામાં આવ્યો છે,​તમામ બાળકોને ફરીથી પરીક્ષા આપવાની વ્યવસ્થા કરવા આદેશ અપાયો છે. ​ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન થશે તો શાળાની માન્યતા રદ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

​જોકે, આ મામલે શાળાના ટ્રસ્ટીઓ અને સંચાલકોએ બચાવ કરતા જણાવ્યું હતું કે, વારંવાર સૂચના આપવા છતાં કેટલાક વાલીઓ ફી ભરતા ન હોવાથી આ પગલું લેવું પડ્યું હતું. પરંતુ, શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ફીની ઉઘરાણી માટે વિદ્યાર્થીઓનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરી શકાય નહીં. આ ઘટના બાદ સુરતની અન્ય શાળાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. વાલી મંડળોએ આ નિર્ણયને આવકાર્યો છે અને માંગ કરી છે કે આવી જોહુકમી કરતી શાળાઓ સામે હજુ પણ કડક પગલાં લેવાવા જોઈએ.

Most Popular

To Top