વડોદરા: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કરજણ તાલુકામાં પણ ચૂંટણીનું વિધિવત જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ રાજકીય માહોલ ગરમાયો છે. કરજણ તાલુકા પંચાયતની 20 બેઠકો અને જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી 26 તારીખે યોજાનાર મતદાનમાં તાલુકાના અંદાજે 1 લાખથી પણ વધુ મતદારો ઉમેદવારોનું ભાવી નક્કી કરશે.
ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને સરળ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા બેઠકોનું ભૌગોલિક વિભાજન કરવામાં આવ્યું છે. તાલુકા પંચાયતની કુલ 20 બેઠકો પૈકી 10 બેઠકો માટેની કામગીરી તાલુકા પંચાયત કચેરી ખાતેથી થશે, જેમાં અણસ્તુ, દેથાણ, હાંડોડ, કરમડી, કોલિયાદ, મિયાગામ, સાપા, સાસરોદ અને વલણ-1 તથા 2 જેવી બેઠકોનો સમાવેશ થાય છે. જ્યારે બાકીની 10 બેઠકો જેવી કે ચોરંદા, ધાવડ, કંડારી, કોરાલી, મોટી કોરલ, સામરી, સારીંગ, સાયર, સીમડી અને વેમાર માટેની પ્રક્રિયા મામલતદાર કચેરી ખાતે હાથ ધરવામાં આવશે. જિલ્લા પંચાયતની 4 બેઠકો માટેની જવાબદારી પ્રાંત અધિકારીની કચેરીને સોંપવામાં આવી છે.
જાહેરનામું બહાર પડતા જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના છાવણીઓમાં હલચલ તેજ બની છે. આ વખતે કરજણમાં ત્રિપાંખિયો જંગ ખેલાય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારો જાહેર થાય તે પહેલા જ પોતાની પ્રથમ યાદી જાહેર કરી સૌને ચોંકાવી દીધા છે. ‘આપ’ દ્વારા વેમાર બેઠક પર રિતેશ પટેલ, હાંદોડ બેઠક પર સુનીતાબેન વસાવા, મોટી કોરલ બેઠક પર મુકેશભાઈ પટેલ અને વલણ-1 બેઠક પર હસન અલી યુસુફને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
બીજી તરફ સત્તાધારી ભાજપમાં ટિકિટ મેળવવા માટે દાવેદારોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ભાજપના મોવડી મંડળ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા બાદ હવે આખરી નામો પર મહોર મારવાની બાકી છે. કોંગ્રેસ પક્ષ પણ પોતાના ગઢ બચાવવા અને નવા સમીકરણો બેસાડવા માટે ઉમેદવારોની પસંદગીમાં વ્યસ્ત છે. ગત ટર્મની સરખામણીએ આ વખતે મતદારોનો ઝુકાવ કઈ તરફ રહેશે તે જોવું રસપ્રદ બનશે.
સરકારી કચેરીઓ પર ફોર્મ મેળવવા માટે ઉમેદવારો અને તેમના ટેકેદારોનો ધસારો જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્તની પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આગામી દિવસોમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રચારના ધમધમાટ સાથે કરજણનું રાજકારણ વધુ તેજ બનશે.