Vadodara

વડોદરા: યુદ્ધની અફવાને પગલે ખાદ્યતેલની ખરીદીમાં ભારે ઘસારો, હાથીખાના માર્કેટમાં ઉમટી ભીડ

​ગભરાટમાં આવીને તેલનો સંગ્રહ ન કરવા વેપારીઓની અપીલ; બજારમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની ખાતરી

વડોદરા: છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી વૈશ્વિક યુદ્ધની અસરો અને મોંઘવારીની અફવાઓને કારણે વડોદરાના નાગરિકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. ગેસ અને પેટ્રોલ-ડીઝલ બાદ હવે ખાદ્યતેલના ભાવ વધશે અથવા અછત સર્જાશે તેવી અફવા ફેલાતા વડોદરાના જથ્થાબંધ બજાર ગણાતા હાથીખાના વિસ્તારમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી છે.
મળતી વિગતો અનુસાર, સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા એવી અફવા ફેલાઈ હતી કે યુદ્ધની સ્થિતિને કારણે તેલનો પુરવઠો ખોરવાઈ શકે છે. આ અફવાને પગલે સામાન્ય દિવસો કરતા લોકો વધુ માત્રામાં તેલના ડબ્બાઓની ખરીદી કરતા જોવા મળ્યા હતા. હાથીખાના સ્થિત તેલ બજારમાં સવારથી જ ગ્રાહકોનો ધસારો રહ્યો હતો, જેમાં ઘણા લોકો ભવિષ્યની અછતથી બચવા માટે તેલનો સંગ્રહ કરી રહ્યા છે.
બજારના વેપારીઓએ જણાવ્યું હતું કે, ખાદ્યતેલના પુરવઠામાં કોઈ મોટી સમસ્યા નથી. સ્થાનિક વેપારીના જણાવ્યા મુજબ, “બજારમાં માલ સરળતાથી મળી રહ્યો છે અને પોર્ટ પર પણ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ભાવમાં માત્ર 10-20 રૂપિયા જેવો સામાન્ય ફેરફાર છે, જે બજારની રૂટિન વધઘટનો ભાગ છે.” વેપારીઓએ વધુમાં ઉમેર્યું કે, લોકો બિનજરૂરી પેનિકમાં આવીને જરૂરિયાત કરતા વધુ ખરીદી કરી રહ્યા છે, જે યોગ્ય નથી.
સરકાર તરફથી પણ અગાઉ સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાજ્યમાં તમામ આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો સ્ટોક છે. અગાઉ ગેસ અને પેટ્રોલ બાબતે પણ આવી જ અફવાઓ ફેલાઈ હતી, જે બાદમાં શાંત પડી હતી.
વેપારીઓ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ અફવાઓથી દૂર રહે અને શાંતિ જાળવે. બિનજરૂરી સંગ્રહખોરી કરવાને બદલે જરૂરિયાત મુજબ જ ખરીદી કરે, જેથી બજારમાં કૃત્રિમ અછત ન સર્જાય.

Most Popular

To Top