બંધ બારણે વિરોધ: કાર્યકરોએ બંધ ઓફિસના શટર પર પાર્ટીના ખેસ બાંધીને અનોખો વિરોધ નોંધાવ્યો

વડોદરા: સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ પૂર્વે વડોદરામાં આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોના લિસ્ટ બાદ વર્ષોથી ગ્રાઉન્ડ લેવલ પર મહેનત કરતા નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નારાજ કાર્યકરોએ સામૂહિક રીતે રાજીનામાં ધરી દઈને પાર્ટી હાઈકમાન્ડ સામે બળવો પોકાર્યો છે.
મળતી માહિતી મુજબ, વડોદરાના વોર્ડ નંબર 12 અને 13 ના આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી છે. કાર્યકરોનો આક્ષેપ છે કે છેલ્લા પાંચ વર્ષથી જે લોકોએ પાયાની મહેનત કરી છે અને પાર્ટીને વડોદરામાં જીવંત રાખી છે, તેમને ટિકિટ આપવાને બદલે અન્ય લોકોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ અન્યાય સામે અવાજ ઉઠાવતા વોર્ડ નંબર 12 ના કાર્યકર વિઠ્ઠલ આહીરે મીડિયા સમક્ષ વાત કરતા ભાવુક થઈ ગયા હતા.
વિરોધની રીત પણ અનોખી જોવા મળી હતી. નારાજ કાર્યકરોએ આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે પહોંચીને, કાર્યાલય બંધ હોવાથી તેના શટર પર પાર્ટીના ખેસ બાંધી દીધા હતા અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. કાર્યકરોએ જણાવ્યું હતું કે, “અમે 100 ટકા ટિકિટના દાવેદાર હતા, પરંતુ પાર્ટીએ અમારી સાથે દગો કર્યો છે. એટલે અમે ખુશીથી રાજીનામું આપી રહ્યા છીએ.”
સૂત્રોના જણાવ્યા અનુસાર, વડોદરા શહેર પ્રમુખે પણ રાજીનામું આપ્યું હોવાની વાત વહેતી થઈ છે, જેના પગલે અન્ય કાર્યકરોએ પણ આ કદમ ઉઠાવ્યું છે. કાર્યકરોએ આશંકા વ્યક્ત કરી છે કે પાર્ટી કોઈના દબાણમાં આવીને આ નિર્ણય લીધો હોય તેવું લાગે છે. તેઓએ ઉમેર્યું હતું કે જે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે તેઓ ચૂંટણી જીતી શકે તેવી સ્થિતિમાં નથી અને પાર્ટી હારવાની બાજી રમી રહી છે.
એકસાથે 7 થી 8 મુખ્ય કાર્યકરોએ રાજીનામાં આપ્યા છે અને હજી આ આંકડો 50 ને વટાવી શકે તેવી શક્યતા છે. રાજીનામું આપનાર કાર્યકરોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હાલ કોઈ બીજી પાર્ટીમાં જોડાવાના નથી, પરંતુ સામાજિક કાર્યકર તરીકે જનતાની સેવા ચાલુ રાખશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે જ થયેલો આ બળવો આમ આદમી પાર્ટી માટે વડોદરામાં મોટું નુકસાન સાબિત થઈ શકે છે.