કોન્ટ્રાક્ટરની મનમાની: 2 મહિનાથી પગાર ન મળતા 11 કર્મચારીઓએ કામગીરી ઠપ્પ કરી; ‘પગારમાંથી કમિશન’ કાપતા હોવાનો ગંભીર આક્ષેપ
વડોદરા: શહેરના વોર્ડ નંબર 18માં આવેલા માંજલપુર મુક્તિધામ ખાતે આજે ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. અહીં કોન્ટ્રાક્ટ પર કામ કરતા 10 થી 11 જેટલા કામદારોએ છેલ્લા બે મહિનાથી પગાર ન મળવાને કારણે અચાનક હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. કામદારોની આ હડતાળને કારણે મુક્તિધામમાં અંતિમ સંસ્કાર માટે આવતા મૃતકોના સ્વજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
હડતાળ પર ઉતરેલા કામદારોના જણાવ્યા અનુસાર, કોન્ટ્રાક્ટર દ્વારા તેઓને છેલ્લા બે મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી. વારંવાર રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર વાયદાઓ આપવામાં આવે છે. કામદારોએ આક્ષેપ કર્યો છે કે તેમને મળવાપાત્ર પગારમાંથી પણ અમુક રકમ ‘કમિશન’ પેટે કાપી લેવામાં આવે છે. એક કર્મચારીએ જણાવ્યું કે, “અમારો સિક્યુરિટીનો પગાર 14,900 છે, જેમાંથી 2,900 રૂપિયા કાઢીને પરત આપી દેવા પડે છે.”
કામદારોએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, બે મહિનાથી પગાર ન મળવાને કારણે ઘરનું ભાડું ભરવું, ખાવા-પીવાની વ્યવસ્થા કરવી અને પેટ્રોલના પૈસા કાઢવા પણ મુશ્કેલ બની ગયા છે. કામદારોની મુખ્ય માંગ છે કે દર મહિનાની 1 થી 7 તારીખ વચ્ચે તેમને નિયમિત પગાર મળી જાય અને પીએફ સહિતના અન્ય લાભો પણ આપવામાં આવે.
મુક્તિધામમાં કામદારો હાજર ન હોવાને કારણે અંતિમ વિધિ માટે આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. મૃતદેહ લઈને પહોંચેલા પરિવારોને કામદારોની ગેરહાજરીમાં હાલાકી વેઠવી પડી રહી છે. કામદારોનું કહેવું છે કે જ્યાં સુધી તેમનો બાકી પગાર અને અન્યાયી કપાતનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓ કામ પર પરત ફરશે નહીં.
હાલમાં આ મામલે કોર્પોરેશનના સત્તાધીશો કે કોન્ટ્રાક્ટર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ સ્થાનિક સ્તરે આ હડતાળને કારણે ભારે રોષ જોવા મળી રહ્યો છે.