કાર અને ક્રેનિયા ધરાવનારાઓને પ્રાધાન્ય આપવાનો સંચાલકો પર આક્ષેપ
બાઇકચાલકોની માંગ : પહેલા ટુ-વ્હીલર વાહનોને આપવામાં આવે પેટ્રોલ
શિનોર, પ્રતિનિધિ
પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ફેલાયેલી અફવાના કારણે શિનોરથી દામાપુર વચ્ચે આવેલા ઈન્ડેન ઓઈલ પેટ્રોલ પંપ ખાતે વાહનચાલકોની ભારે ભીડ ઉમટી પડી હતી. પેટ્રોલ ભરાવવા માટે લાંબી કતારો લાગી જતા લોકોમાં ગભરાટ અને અવ્યવસ્થા જેવી સ્થિતિ સર્જાઈ હતી.

આ દરમિયાન કેટલાક બાઇકચાલકોએ આક્ષેપ કર્યો હતો કે પેટ્રોલ પંપના સંચાલકો કાર અને ક્રેનિયા લઈને આવેલા લોકોને વધારે પ્રાધાન્ય આપી પેટ્રોલ-ડીઝલ આપી રહ્યા છે, જ્યારે બાઇકચાલકોને લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી છે. આ બાબતે બાઇકચાલકોએ પોતાનો રોષ વ્યક્ત કરી પહેલા બે-વ્હીલર વાહનોને પેટ્રોલ આપવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી.

પેટ્રોલ-ડીઝલની અછત અંગેની અફવાઓના કારણે તાલુકા વિસ્તારમાં વિવિધ પેટ્રોલ પંપો પર આવી જ ભીડ જોવા મળી રહી છે, જેને કારણે લોકોમાં ચિંતા અને ગભરાટનો માહોલ સર્જાયો છે.
રિપોર્ટર : અમિત સોની