બુટલેગર સહિત બે આરોપી ફરાર જાહેર, સ્થાનિક પોલીસની કામગીરી પર પ્રશ્નચિહ્ન
મંજુસર પોલીસને ગંધ પણ નહીં આવી, સ્ટેટ મોનિટરિંગ સેલે નાક કાપ્યું
વડોદરા, તા. 24
વડોદરા જિલ્લાના આસોજ ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડામાં વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપાયો હતો. પોલીસે સ્થળ પરથી રૂ. 11.04 લાખનો દારૂ-બિયર, રૂ. 10.50 લાખના 5 વાહનો અને રૂ. 25 હજારના 5 મોબાઇલ સહિત કુલ રૂ. 21.79 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે બુટલેગર સહિત બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, આસોજ ગામની જલારામનગર સોસાયટીમાં આરોપી મોહિત અબ્બાસ વહોરાના મકાન તથા પાર્કિંગ વિસ્તારમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાની બાતમી SMCને મળી હતી. જેના આધારે PI એમ.કે. મલાવીયાની ટીમે દરોડો પાડતાં સ્થળ પરથી વસાવા મુલજીભ મંગળ (રહે. આસોજ) અને મહેશ સીતા વણજારા (રહે. મંજુસર)ને ઝડપી પાડ્યા હતા.
આ કાર્યવાહી દરમિયાન મુખ્ય આરોપી મોહિત અબ્બાસ વહોરા અને પ્રકાશ પુના ગોહિલ ફરાર થઈ જતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. નોંધનીય છે કે SMC દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં સ્થાનિક મંજુસર પોલીસ સ્ટેશનનો સ્ટાફ અજાણ રહ્યો હોવાની ચર્ચા શરૂ થઈ છે, જેને કારણે પોલીસની કામગીરી પર પ્રશ્નો ઊભા થયા છે.