ભારતમાં પ્રેક્ટિસ શરૂ કરતાં પહેલા ક્લિનિકલ ક્લાર્કશિપ પૂર્ણ કરવી પડશે
કોવિડ-યુક્રેન યુદ્ધ જેવી સ્થિતિમાં વિક્ષેપ પડેલા અભ્યાસને લઈ નિર્ણય લેવામાં આવ્યો
( પ્રતિનિધિ )વડોદરા,તા.21
નેશનલ મેડિકલ કમિશન દ્વારા વિદેશમાંથી એમબીબીએસ પૂર્ણ કરનાર વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ઓનલાઇન અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓએ ભારતમાં પ્રેક્ટિસ શરૂ કરતાં પહેલાં ફરજિયાત ક્લિનિકલ ક્લાર્કશિપ પૂર્ણ કરવી પડશે. કોવિડ અને યુક્રેનના યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં વિક્ષેપ પડેલા અભ્યાસને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઓનલાઇન મેડિકલ એજ્યુકેશન વાસ્તવિક ક્લિનિકલ એક્સપોઝરનું સ્થાન લઈ શકે નહીં. ખાસ કરીને અંતિમ વર્ષ અથવા તેનાથી પહેલાના વર્ષોમાં ઓનલાઇન ક્લાસ લીધા હોય તેવા વિદ્યાર્થીઓએ આ અંતરને ભરવા માટે ભારતની હોસ્પિટલોમાં સુપરવાઇઝ્ડ તાલીમ લેવી પડશે. જે તાલીમમાં વિદ્યાર્થીઓ ડોક્ટરો સાથે કામ કરીને દર્દીઓની સારવાર પ્રેક્ટીકલ કૌશલ્ય અને ક્લિનિકલ અનુભવ મેળવશે. તાલીમનો સમયગાળો ઓનલાઈન અભ્યાસના તબક્કામાં અને અવધી પર આધારિત રહેશે. વધુ ક્લિનિકલ વર્ષો ઓનલાઇન હોય તો તાલીમ વધુ લાંબી થઈ શકે છે. નેશનલ મેડિકલ કમિશન દ્વારા નવા નિયમો જાહેર કરવાનું આ પગલું ભારતમાં મેડિકલ પ્રેક્ટિસના ધોરણને ઊંચું રાખવા માટે લેવામાં આવ્યું છે. વિવિધ દેશોમાંથી અભ્યાસ કરીને પરત ફરેલા વિદ્યાર્થીઓએ એફએમજીઇ પાસ કર્યા બાદ આ ક્લાર્કશિપ પૂર્ણ કરીને જ રજીસ્ટ્રેશન મેળવી શકશે. નોંધનીય છે કે, આ નિયમ છ માર્ચ પહેલાના નોટિસને કારણે ઉભી થયેલી મૂંઝવણ અને વિરોધને ધ્યાનમાં રાખીને સુધારવામાં આવ્યો છે. તેમાં એફએમજીએસએ વિરોધ કર્યો હતો. હવે નેશનલ મેડિકલ કમિશનને રાહત આપી છે. જો વિદેશી યુનિવર્સિટી પ્રમાણિત કરે કે, ઓનલાઇન ભાગને વધારાના ફિઝિકલ ક્લાસ કોર્સની અવધી વધારીને અથવા ઇન્ટીગ્રેટેડ ઇન્ટરનરશીપ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો છે, તો ભારતમાં વધારાની તાલીમની જરૂર નહીં પડે આવા કિસ્સામાં યોગ્ય દસ્તાવેજો સબમીટ કરવા પડશે.