મૃતક ભાગીદારના નામે ખોટું પાવર ઓફ એટર્ની બનાવી ઠગાઈ
નકલી આધારકાર્ડ અને બોગસ સહીથી જમીન વેચાણ, બે આરોપીઓ સામે ગુનો નોંધાયો
વડોદરા: વડોદરા શહેરના વડસર ગામમાં આવેલી કરોડોની કિંમતની જમીન સાથે જોડાયેલા કૌભાંડનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. બે શખ્સોએ ખોટા દસ્તાવેજો, નકલી સહી અને બોગસ ઓળખપત્રોના આધારે જમીનનો રૂ.1.22 કરોડમાં ગેરકાયદેસર સોદો કરી નાખ્યો હતો.
કારેલીબાગના રહેવાસી રમેશભાઈ મણિલાલ પટેલે આ મામલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમણે વર્ષ 1992માં તેમના ભાગીદારો સાથે મળી વડસર ગામમાં ખેતીની જમીન ખરીદી હતી. વર્ષ 2024માં એક ભાગીદારના અવસાન બાદ વારસાઈ પ્રક્રિયા દરમિયાન આ કૌભાંડ સામે આવ્યું હતું.
તપાસમાં સામે આવ્યું છે કે અમદાવાદના હસમુખ શંકર પટેલ અને ભરૂચના નરેન્દ્ર ઈશ્વર પરમારે મળીને ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા. આરોપીઓએ મૃતક ભાગીદારના નામે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી અને અન્ય ભાગીદારોની નકલી સહી કરીને જમીન વેચી નાખી હતી.
આ ઉપરાંત સબ-રજીસ્ટ્રાર કચેરીમાં નોંધણી દરમિયાન મૂળ માલિકોના બદલે અન્ય લોકોના ફોટા ચોંટાડવામાં આવ્યા હતા અને નકલી આધારકાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
માંજલપુર પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.