છેલ્લા દિવસોમાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના મૃત્યુની અફવા અનેક જગ્યાએ પ્રસરી અને ઘણાં લોકોએ તે સાચી પણ માની લીધી! વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અનેક સંગઠન અને દેશોના હિટલિસ્ટમાં છે. અને હવે ઇરાનની સૈન્ય શાખા ‘ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ [IRGC] દ્વારા તો નેતન્યાહૂને મારી નાંખવાની ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી છે. ઇઝરાયલનું એક તરફ પેલેસ્ટાઇન સામેનું યુદ્ધ અટક્યું નથી, જ્યાંથી પણ નેતન્યાહૂને મારી નાંખવાના પ્રયાસ થઈ રહ્યા છે. હવે ઇરાનના સૈન્ય શાખા ‘IRGC’એ પણ નેતન્યાહૂને મારી નાંખવા માટે કમર કસી છે. આ સ્થિતિમાં ઇઝરાયલ પોતાના વડાપ્રધાનને કેવી રીતે સુરક્ષા પૂરી પાડે છે? અને નેતન્યાહૂનું કાયમી ઠેકાણું કયું છે? ઉપરાંત તેઓ જ્યારે જાહેરમાં દેખા દે છે ત્યારે તેઓ કેવી સુરક્ષા લઈને બહાર આવે છે? આ પ્રશ્નો સંદર્ભે અનેક વેબસાઇટ પર કેટલીક વિગતો મળે છે, તેને એકઠી કરીને અહીં મૂકી છે.

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સિક્યૂરિટીને લઈને સૌથી પ્રથમ વિગત એ આપવાની થાય છે કે તેમનું રહેઠાણ ક્યાં છે? તેમનું રહેઠાણ ઇઝરાયલના પાટનગર જેરૂસલમના સેન્ટ્રલ વિસ્તારમાં આવેલું છે. આ ઇઝરાયલના વડાપ્રધાનનું અધિકારીક નિવાસ છે અને તે નિવાસનું નામ ‘બેઇટ અઘિઓન’ છે. જોકે હાલમાં આ નિવાસસ્થાનમાં સિક્યૂરિટી સ્તરે વધુ આધુનિક નિર્માણ કરવામાં આવી રહ્યું છે; તેથી ઇઝરાયલના વડાપ્રધાન જેરૂસલમમાં ગાઝા રોડ પર આવેલા ‘સેસેરા’ નામના પોતાના ઘરમાં નિવાસ કરે છે. આ બંને નિવાસ સિક્યૂરિટીથી લેસ છે. તેમના ઘર ઉપર ‘નો ફ્લાય ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે. ઉપરાંત તેમના ઘર ઉપર એન્ટી બેલસ્ટિક શિલ્ડ્સ લાગેલી છે. જમીનની નીચે પણ સેંસર છે. એટલું જ નહીં તેમની રોજબરોજના જીવનમાં પણ સતત સુરક્ષાનો હિસ્સો એટલો બધો છે કે તેમાંથી કોઈ પણ બાબત છૂટથી નથી. જેમ કે, નેતન્યાહૂ જમે તે પહેલાં તેમના ભોજનની પણ તપાસ થાય છે. તેમની સાથે હંમેશા એક મેડિકલ ટીમ સાથે હોય છે. અને તેમની સાથે તેમના બ્લડ ગ્રૂપનો પૂરતો સ્ટોક રાખવામાં આવે છે જેથી કોઈ પણ કટોકટીકાળમાં ઇલાજ શરૂ થઈ શકે.
‘ધ ટાઇમ્સ ઑફ ઇઝરાયલ’ અને ‘ધ ન્યૂ અરબ’ નેતન્યાહૂના સિક્યૂરિટીને લઈને એવી વિગત પણ મૂકી છે કે, જ્યારે નેતન્યાહૂ અમેરિકામાં ન્યૂયોર્કની હેરી ક્રિપિયાની રેસ્ટોરાંમાં ગયા હતા ત્યારે તેમના આવતા અગાઉ વીસ જેટલાં સિક્યૂરિટી ગાર્ડે પૂરી રેસ્ટારાંમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. તે પછી જ્યારે નેતન્યાહૂ રેસ્ટારાંમાં આવ્યા ત્યારે પણ તેમની સાથે વીસથી વધુ ગાર્ડ હતા. આશ્ચર્યની વાત તો એ અહેવાલમાં એ ટાંકવામાં આવી છે કે નેતન્યાહૂ જ્યારે બાથરૂમમાં ગયા ત્યારે પણ ગાર્ડ પણ તેમની સાથે બાથરૂમમાં ગયા હતા. મતલબ કોઈ એવી જગ્યા નથી જ્યાં નેતન્યાહૂ સિક્યૂરિટી ગાર્ડની નજરથી બહાર જઈ શકે. ઇઝરાયલના મોસાદના ઓપરેશન અને તેમની સિક્યૂરિટીની ખૂબ વાતો થાય છે; પરંતુ નેતન્યાહૂની સિક્યૂરિટી વિશે જ્યારે ઇન્ટરનેટ પર સર્ચ કરીએ તો તેની માહિતી છૂટીછવાઈ મળે છે. મતલબ કે આ માહિતી જાહેર ન થવી જોઈએ તેઓ પણ ઇઝરાયલી સરકારનો ઉદ્દેશ હોવો જોઈએ અને એટલે જ નેતન્યાહૂના નિવાસની સિક્યૂરિટીની માહિતી અલાયદી રીતે ક્યાંય આપવામાં નથી આવી. હવે જ્યારે નેતન્યાહૂના જાનનું જોખમ વધ્યું છે એટલે તે માટે કેવી સિક્યૂરિટી માપદંડો લાગુ કરવામાં આવ્યા છે; તેની જે વિગત મળે છે તેમાં એવું કહેવાય છે કે હાઈ-ટેક બોડી સ્કેનર મૂકવામાં આવ્યું છે. આ બોડી સ્કેનર સામાન્ય રીતે અમેરિકાના એરપોર્ટ પર જોવા મળે છે તે પ્રકારનું છે. બોડી સ્કેનરનું આ મશીનનો ઘણાં દેશોમાં વિરોધ થયો હતો કારણ કે તેમાં જે વ્યક્તિનું સ્કેનિંગ થતું હોય તેણે હાથ ઉપર કરવાના હોય છે. ઘણાં દેશોમાં આ સ્કેનિંગ મશીનમાં જે રીતે ચહેરાનું સ્કેનિંગ થાય છે તે કારણે પણ ટીકા થઈ છે. બોડી સ્કેનરની આ મશીનમાં વ્યક્તિની પૂરી ઇમેજ મોનિટર પર સિક્યૂરિટી ઓફિસર જોઈ શકે છે. આ ઉપરાંત પણ નેતન્યાહૂના સિક્યૂરિટીમાં ફૂટવેર સ્કેનિંગ માટે પણ મશીન મૂકવામાં આવ્યું છે.
સિક્યૂરિટીનો સવાલ હોય ત્યારે ઘણું ખરું કામ ટેક્નોલોજી દ્વારા થાય, પરંતુ તેનાથી સાવ માનવીય ભૂમિકાની બાદબાકી થઈ જતી નથી. મતલબ કે જ્યારે નેતન્યાહૂની મુલાકાત લેવા જાય ત્યારે તે વ્યક્તિને સિક્યૂરિટી અધિકારીઓના આકરાં પ્રશ્નોથી પસાર થવું પડે છે. બીજું કે તેઓને નેતન્યાહૂનું આમંત્રણ મળ્યું છે કે નહીં અને તેઓ નેતન્યાહૂને કેવી રીતે જાણે છે તે બધા પ્રશ્નો પર લાંબી ચર્ચા થાય છે. સિક્યૂરિટીમાં કોઈ બાધ આવે તે વાત તો દૂર રહી પરંતુ નેતન્યાહૂના નિવાસ કે ઑફિસની બહાર કોઈ વિરોધ કરવાની પણ છૂટ નથી. એટલું જ નહીં જે સિક્યૂરિટી ગાર્ડ છે તેઓ પણ મહદંશે પોતાના ચહેરાને માસ્કથી ઢાંકેલા હોય છે, જેથી તેમની ઓળખ ક્યારેય છતિ ન થાય. પહેલાં નેતન્યાહૂના સિક્યૂરિટીમાં લાગેલા ઑફિસરના શરીર પર કેમેરા નહોતા, હવે તેમના શરીર પર પણ કેમેરા આવી ચૂક્યા છે. ઘણી વાર નેતન્યાહૂ કોઈ કાર્યક્રમમાં મુલાકાત લેતા હોય ત્યારે પણ તેમના સિક્યૂરિટી ગાર્ડ ચહેરા પર માસ્ક પહેરીને આવતા હોય છે. આ બાબતની નોંધ ઘણાં અખબાર અને ટેલિવિઝન ન્યૂઝમાં લેવાઈ છે.
આ રીતે હાઇ લેવલની સિક્યૂરિટી અને સિક્યૂરિટી ગાર્ડ પાસેથી લીધેલી બાંયધરીના કારણે સર્વોપરી નેતા તેમની પાસેથી કેવા કામ લઈ શકે તેવી ઘટના પણ નેતન્યાહૂના કિસ્સામાં પ્રકાશમાં આવી હતી. જેમ કે 2025માં ઇઝરાયલના એક જાસૂસે નેતન્યાહૂ પર એવો આરોપ લગાવ્યો હતો કે પોતાની વ્યક્તિગત અને રાજકીય હિત સાધવા માટે નેતન્યાહૂએ તેમના પર દબાણ કર્યું હતું. ઇઝરાયલના આ જાસૂસનું નામ રોનેન બાર હતું અને તે ઇઝરાયલની સ્થાનિક ઇન્ટેલિજન્સ સર્વિસમાં કાર્યરત હતો. તેણે ઇઝરાયલના નેતન્યાહૂ પર આરોપ ઘડ્યો હતો ત્યારે તેમણે સુપ્રિમ કોર્ટમાં એફિડેવિટ કરીને વિગત જાહેર કરી હતી. આ પૂરી ઘટનાને લઈને નેતન્યાહૂએ જાસૂસ રોનેનને બરતરફ કરીને સુપ્રિમ કોર્ટની તપસાને પણ રદ કરી દીધી હતી. આ પ્રકરણને લઈને નેતન્યાહૂનો લોકોએ વિરોધ પણ કર્યો હતો. એટલું જ નહીં સિક્યૂરિટીના મામલે ઇઝરાયલમાં જડબેસલાક હોવા છતાં જ્યારે 2023માં ઇઝરાયલ પર હૂમલો થયો તો તે વખતે નેતન્યાહૂએ પહેલાં વહેલાં સિક્યૂરિટી સર્વિસ પર જ આરોપ લગાવ્યો હતો કે સુરક્ષા બાબતે તેઓએ ધ્યાન ન આપ્યું.
આંતરરાષ્ટ્રીય સ્તરે ભલે એવું લાગતું હોય કે ઇઝરાયલ એક બનીને ગાઝા અને ઇરાન સામે લડી રહ્યું છે, પરંતુ નેતન્યાહૂનો વિરોધ સ્થાનિક સ્તરે થઈ પણ થઈ રહ્યો છે. બહારના અને આંતરિક સુરક્ષા માટે ઇઝરાયલની જે સૌથી અગત્યની સુરક્ષા એજન્સી છે તે ‘શિન બેટ’ છે.
વિદેશથી સુરક્ષા માટે ઇઝરાયલનું યુનિટ ‘મોસાદ’ છે અને મિલિટરી ઇન્ટેલિજન્સી માટે ‘અમન’ છે. ‘શિન બેટ’નું એક યુનિટ ‘730’ છે. આ યુનિટની વિગત જૂજ મળે છે. મહદંશે તેમનું કાર્ય સરકારી પદાધિકારી ઉપરાંત વડાપ્રધાનની સિક્યૂરિટીનું છે. જોકે સર્વત્ર એવી માહિતી મળી છે કે 730 યુનિટ વિશ્વનું સૌથી ટ્રેઇન સિક્યૂરિટી યુનિટમાંનું એક છે. હાલમાં આ ‘શિન બેટ’ના સર્વેસર્વા ડેવિડ ઝીની છે. ડેવિડ ઝીની આટલાં ઉંચા પદ પર હોવા છતાં તેમની વર્તમાનની જ વિગત મળે છે, તેનો ઇતિહાસ કે વ્યક્તિગત જૂજ વિગતો જ મળે છે. ‘શિન બેટ’ દ્વારા કેવી રીતે સુરક્ષા પૂરી પાડવામાં આવે છે અને તે માટેની ટ્રેઇનિંગ કેવી હોય છે તેનો એક વિડિયો યૂટ્યુબ પર ઉપલબ્ધ છે, તેમાં તેમની ટ્રેઇનિંગના દૃશ્યો જોવા મળે છે. ઇઝરાયલના વડાપ્રધાનના સિક્યૂરિટીની જે વિગત ઇન્ટરનેટ પર મળે છે તેની વિગત અહીં સમાવિષ્ટ કરીને રજૂ કરી છે. •