પ્રદેશ સ્તરે સંગઠનની ચુસ્ત તૈયારી, નેતાઓ અને કાર્યકરોની ઉપસ્થિતિ રહેશે
રિપોર્ટ કાર્ડ આધારિત પ્રચાર અને સેવા આધારિત રાજકારણ પર ભાર
વડોદરા: ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠનાત્મક તૈયારીઓ તેજ બનાવવામાં આવી છે. આ અનુસંધાને 18 માર્ચે બપોરે 1:00 વાગ્યે ગાંધીનગરના કોબા સ્થિત પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાશે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, વિવિધ મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ, જિલ્લા અને મહાનગરના પ્રભારી, પ્રમુખો તેમજ ચૂંટણી સંચાલન સમિતિના સભ્યો હાજર રહેશે. બેઠકમાં ચૂંટણીની વ્યૂહરચના, પ્રચાર કાર્યક્રમો અને સંચાલન અંગે વિસ્તૃત ચર્ચા થવાની શક્યતા છે.
પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપાએ રાજ્ય સ્તરે આઠ સભ્યોની અને જિલ્લા તથા મહાનગર સ્તરે ચાર સભ્યોની ચૂંટણી સંચાલન સમિતિ રચી છે. ભાજપા દ્વારા પ્રવાસ, ગ્રુપ મીટિંગ, જાહેરસભાઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો સાથે સંવાદ દ્વારા વ્યાપક જનસંપર્ક અભિયાન હાથ ધરાશે. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ સરકારની કામગીરી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના રિપોર્ટ કાર્ડના આધારે ભાજપા જનતા વચ્ચે જશે.
ડૉ. પટેલે ભારપૂર્વક કહ્યું કે ભાજપા 365 દિવસ કાર્ય કરતી પાર્ટી છે અને ‘હર ઘર સુધી સેવા’ પહોંચાડવાનો મંત્ર લઈને કાર્યરત છે. તેમણે દાવો કર્યો કે ગત ચૂંટણીમાં રાજ્યની જનતાએ મોટા પ્રમાણમાં ભાજપાને સમર્થન આપ્યું હતું અને આવનારી ચૂંટણીમાં પણ ભાજપા વધુ મજબૂત જનસમર્થન મેળવે તેવી આશા વ્યક્ત કરી. સાથે જ તેમણે વિરોધ પક્ષ કોંગ્રેસ પર આક્ષેપ કરતાં જણાવ્યું કે તેમના પાસે કોઈ સ્પષ્ટ મુદ્દા કે સુવ્યવસ્થિત આયોજન નથી, જેના કારણે જનતા તેમના પર વિશ્વાસ વ્યક્ત કરતી નથી.