Comments

ટ્રમ્પની નવી ઇમિગ્રેશન નીતિ તેમજ ડિપોર્ટેશન ડ્રાઇવથીઅમેરિકામાં જન્મેલાંઓને ફાયદો થયો છે તે વાતમાં કોઈ માલ નથી

અમેરિકામાં બેરોજગારી વધુ ને વધુ વ્યાપક બનતી જાય છે. બેરોજગારીનો દર ૪.૮ ટકા થયો છે. આ બધી બાબતોથી ચિંતિત થવાને બદલે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લાજવાને બદલે ગાજવાનું કામ કરે છે. ટ્રમ્પનું એવું કહેવું છે કે, ‘‘અમેરિકામાં ભલે બેકારીના આંકડા ગમે તે ગણવામાં આવતા હોય, સાચું ચિત્ર તો એ છે કે, અમેરિકામાં જન્મેલાં અમેરિકન નાગરિકો માટે રોજગારીની તકો વધી છે.’’

વૉશિંગ્ટન પોસ્ટના એક અહેવાલ પ્રમાણે ટ્રમ્પનું માનવું એવું છે કે, ‘‘અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરનારાંઓ તેમજ સ્થળાંતરિત થઈ રોજગારી શોધનારાંઓ ઉપરના કડક નિયંત્રણોને કારણે અમેરિકામાં જન્મ્યાં હોય તેવાં અમેરિકન કામદારો માટે સંયોગો વધુ ઉજળા બન્યા છે. જો કે ટ્રમ્પની આ વાતને નિષ્ણાતો તેમજ સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી હકીકતો અને આંકડાઓ ઉપરથી સમર્થન મળતું નથી. આમ છતાંય ટ્રમ્પના અધિકારીઓ આ વાતનું સમર્થન કરી પ્રચારનું ડીમડીમ વગાડ્યા કરે છે. ટ્રમ્પનો તર્ક સાંભળવા જેવો છે. એ કહે છે કે, ‘‘હું ચૂંટાયો તેના એક વર્ષ પહેલાં જે નવી નોકરીની તકો ઊભી થતી તેમાંથી મોટા ભાગની વિદેશોમાંથી સ્થળાંતર કરી અમેરિકા આવી વસવાટ કરતાં લોકોને ભાગે જતી. મેં જ્યારથી અમેરિકાના પ્રમુખપદનો કાર્યભાર સંભાળ્યો, સોએ સો ટકા નવી નોકરીઓ અમેરિકામાં જન્મેલા સીટીઝનને ફાળે ગઈ છે.’’

ટ્રમ્પની આ વાતને ટેકો આપતા હોય તે રીતે ટ્રમ્પ એડમીનીસ્ટ્રેશનના અધિકારીઓ દ્વારા પણ તાજેત૨માં એવું કહેવામાં આવ્યું છે કે, પચ્ચીસ લાખ જેટલી અમેરિકામાં જન્મેલી વ્યક્તિઓને ૨૦૨૫માં નવી નોકરીની તકો ઉપલબ્ધ થઈ છે, કારણ કે આ સમયગાળા દરમિયાન અમેરિકામાં રહી કામ કરતાં દસ લાખ જેટલાં ઇમીગ્રાન્ટ્સ આ સ્પર્ધામાંથી દૂર કરી દેવામાં આવ્યાં હતાં. પણ ડેમોક્રેટિક હોય તે રિપબ્લિકન બધા જ અમેરિકન અર્થશાસ્ત્રીઓ ટ્રમ્પ એડમીનીસ્ટ્રેશન દ્વારા કરવામાં આવેલા આ દાવાના સત્ય બાબતે ઇન્કાર કરે છે.

પીટર્સન ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇન્ટરનેશનલ ઇકોનોમીમાં સિનિયર ફેલો અને અમેરિકાના વાણિજ્ય ખાતા સાથે જોડાયેલા અર્થશાસ્ત્રી ઝેદ કોલકો કહે છે કે, બંને કેટેગરી, અમેરિકામાં જન્મેલાં અમેરિકન નાગરિકો તેમજ વિદેશમાં જન્મેલી વ્યક્તિઓ, બધાના કિસ્સામાં બેરોજગારીનો દર વધી રહ્યો છે. આ સામે ટેલર રોજર જે ટ્રમ્પ સરકારના પ્રવકતા છે તેમણે એક નિવેદન થકી એવું કહ્યું છે કે, ‘‘આ પ્રકારના અર્થહીન સંવાદોથી કોઈ ફાયદો નથી.

સીધી સાદી હકીકત તો એ છે કે, અત્યાર સુધીના કોઈ પણ પ્રમુખની સરખામણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના વિઝાના નિયમોનો દુરુપયોગ કરીને લોકો અમેરિકામાં ઘૂસી જતાં હતાં તેની સામે કડક હાથે કામ લીધું છે, જુદા જુદા દેશો સાથે અમેરિકાના હિતને ધ્યાનમાં રાખી સફળતાપૂર્વક વ્યાપાર સંધિઓ કરી છે, અમેરિકાની સરહદો વધુ સુરક્ષિત કરી છે, જેથી ઘૂસણખોરી અટકે અને અમેરિકામાં ગેરકાયદે ઘૂસી આવેલાં અને વસવાટ કરતાં લોકોને એક વ્યાપક ઝુંબેશના ભાગરૂપે બહાર ફેંકી દઈ આ તકો અમેરિકામાં જન્મેલાં મૂળ અમેરિકન નાગરિકોને મળે તે દિશામાં સતત પ્રયત્નશીલ રહ્યા છે.

એમની આ નીતિઓને કારણે રોજર ટેલરનું કહેવું છે કે, અમેરિકામાં જન્મેલાં કામદારોને વધુ ને વધુ અમેરિકાની આર્થિક પ્રગતિમાં ભાગ લેવાનો અવસર ઊભો થયો છે. આને કારણે ઇમીગ્રાન્ટ્સ ‘જોબ માર્કેટ’માં સ્પર્ધા કરતો હતો તે હવે મહદ્ અંશે દૂર થયું છે અને અમેરિકન શ્રમિક બજાર મૂળ અમેરિકામાં જન્મેલા અમેરિકન નાગરિકો માટે ખુલ્લું થયું છે. ૨૦૨૫માં ટ્રમ્પ એડમીનીસ્ટ્રેશને ગેરકાયદે વસનારાંઓને દેશનિકાલ કરવાની ઝુંબેશને પ્રાથમિકતા આપી, જેને પરિણામે લગભગ સાડા પાંચ લાખથી વધુ લોકોને અમેરિકા છોડી દેવું પડ્યું છે.

આ ચર્ચાની પશ્ચાદ્ ભૂમિકામાં અમેરિકામાં જન્મેલાં વર્કર્સ તેમજ ઇમીગ્રાન્ટ્સ બંને કિસ્સાઓમાં સીધી યા આડકતરી રીતે અમેરિકન અર્થવ્યવસ્થામાં પ્રવર્તી રહેલી મંદીની અસર થઈ છે એવું અર્થશાસ્ત્રીઓનું કહેવું છે. જ્યારે આખીયે અર્થવ્યવસ્થા મંદીનો અનુભવ કરતી હોય અને નવી નોકરીઓ ઊભી થવાની તકો ઘટતી જતી હોય ત્યારે અમેરિકામાં જન્મેલાં અમેરિકન નાગરિકો પણ એનાથી પર રહી શકે નહીં. બેરોજગારીનો વધતો દર મજબૂત પુરાવો છે, જે સાબિત કરે છે કે અમેરિકામાં જન્મેલાં લોકો પણ કશું ખાટી નથી ગયાં.

લેબર માર્કેટમાં એમને માટેની રોજગારીની તકો પણ અગાઉનાં વર્ષોની સરખામણીમાં ૨૦૨૫માં ઘટી છે. આ સામે વિદેશમાં જન્મેલાં અને અમેરિકામાં સ્થળાંતરિત ઇમીગ્રાન્ટ લેબરમાં પણ ૨૦૨૧ બાદ બેરોજગારીનો દર લગભગ સરખો જ રહેવા પામ્યો છે. આમ, અમેરિકામાં જન્મેલાં નાગરિકો માટે પણ ટ્રમ્પ એડમીનીસ્ટ્રેશને બહુ મોટી તકો ઊભી કરી નાખી છે તેમ કહેવું વ્યાજબી નથી. ૨૦૨૦ની મંદી દરમિયાન એકાએક બેરોજગારીનો દર ૧૪ ટકાથી પણ વધી ગયો હતો તે ૨૦૨૫માં ઘટીને ૪.૬ ટકા થયો છે અને અગાઉના વર્ષની સરખામણીમાં અત્યારનું અમેરિકન લેબર માર્કેટ વધુ સારું છે એમ કહેવું યોગ્ય નથી એવું સેન્ટર ફોર ઇકોનોમિક એન્ડ પોલીસી રિસર્ચના સિનિયર ઇકોનોમિસ્ટ દીન બેકરનું કહેવું છે.

બેકર પરિસ્થિતિને સરખાવતાં કહે છે કે, ‘‘ટૂંકમાં, અમેરિકામાં જન્મેલ હોય કે અન્ય, નોકરી મેળવવી બંને માટે સરખી જ છે.’’ આ ઉપરાંત ટ્રમ્પની ઇમીગ્રેશન પોલીસીને કારણે ખાલી પડેલી જગ્યાઓનો ફાયદો અમેરિકામાં જન્મેલાં કામદારોએ ઉઠાવ્યો છે તે વાતને મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ સમર્થન આપતા નથી અને એટલે ડોનાલ્ડ ટ્રમ્પના આર્થિક સલાહકાર કેવીન હેસેની થિયરી મુજબ વિદેશમાં જન્મેલાં મજદૂરો અમેરિકા છોડી જાય ત્યારે એના કારણે અમેરિકામાં જન્મેલી વ્યક્તિઓ માટે નવી તકો ઊભી થાય છે, તે વાતને અમેરિકન અર્થશાસ્ત્રીઓ સ્વીકારતા નથી. સમાપનમાં એમ કહી શકાય કે, લગભગ પોણા છ લાખ લોકોને ડીપોર્ટ કર્યા બાદ અને ઇમીગ્રેશનની નીતિ કડક બનાવીને ટ્રમ્પે અમેરિકામાં જન્મેલાં અમેરિકન નાગરિકો માટે નવી તકોનાં દ્વાર ખોલી નાખ્યાં છે એ વાત તથ્યહીન અને પાયાવિહોણી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top