Vadodara

ગોત્રી-સેવાસી રોડ પર રિક્ષા અને લારીને ફંગોળી કાર ચાલક ફરાર

રિક્ષાને ટક્કર માર્યા બાદ કાર પાણીપુરીની લારીમાં ઘુસી ગઈ :

ચાલક નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ,પોલીસ તપાસ શરૂ

(પ્રતિનિધિ), વડોદરા. તા.9

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી તળાવથી સેવાસી ચેકપોસ્ટ તરફ જવાના મુખ્ય માર્ગ પર આજે સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ગતિએ આવતી કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા રિક્ષા અને પાણીપુરીની લારીને અડફેટે લીધી હતી. અકસ્માત સર્જી કાર ચાલક ઘટનાસ્થળેથી ગાડી લઈને ફરાર થઈ ગયો હતો.

વડોદરા શહેરમાં એક તરફ રફતારના દાનવો બેફામ બની રહ્યા છે. ત્યારે, નાગરિકોને હવે જાહેર માર્ગ પર નીકળતા ભય અનુભવાઈ રહ્યો છે. અકસ્માતોના બનાવવામાં દિવસને દિવસે વધારો થઈ રહ્યો છે. તેવામાં ગોત્રી તળાવથી સેવાસી તરફ જઈ રહેલી એક ફોર વ્હીલર કારના ચાલકે અચાનક પોતાની કાર પૂરઝડપે હંકારી આગળ જતી રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે રિક્ષા સીધી બાજુમાં ઉભેલી પાણીપુરીની લારીમાં જઈ ભટકાઈ હતી. આ અકસ્માતમાં પાણીપુરીની લારીના કુચ્ચા વળી ગયા હતા અને રિક્ષાને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત થતા જ આસપાસના લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કાર ચાલક સંપૂર્ણપણે નશાની હાલતમાં જણાઈ રહ્યો હતો. અકસ્માત સર્જાયા બાદ પકડાઈ જવાની બીકે તે પોતાની કાર લઈને ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ દુર્ઘટનામાં રિક્ષા ચાલક અને લારી માલિકને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે પંચનામું કરી ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આસપાસના CCTV ફૂટેજ તપાસીને કારના નંબરના આધારે ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top