National

LPG ભાવવધારા પર CPIનો કેન્દ્ર પર પ્રહાર, વધારો પાછો ખેંચવાની માંગ

નવી દિલ્હી: રસોઈ ગેસના વધેલા ભાવોને લઈને ડાબેરી પાર્ટી CPIએ કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો છે અને આ વધારો તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે. પાર્ટીએ સરકાર પર કર ઘટાડવાનો ઇનકાર કરીને “જનવિરોધી વલણ” અપનાવવાનો આરોપ લગાવ્યો છે. CPIના પોલિટબ્યુરો દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં ઘરેલુ તેમજ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં થયેલા વધારાનો કડક વિરોધ કરવામાં આવ્યો છે. પાર્ટી મુજબ, ઘરેલુ સિલિન્ડરમાં 60નો વધારો ખાસ કરીને ઉજ્જવલા યોજનાના ગરીબ લાભાર્થીઓ પર વધારાનો ભાર નાખે છે.

પાર્ટીએ જણાવ્યું કે કોમર્શિયલ LPG સિલિન્ડરમાં 114.50નો વધારો અંતે ગ્રાહકો પર જ લાદવામાં આવશે. તેના કારણે મધ્યમ વર્ગ અને કામકાજી લોકો પર વધુ આર્થિક બોજ પડશે, કારણ કે તેઓ પહેલાથી જ સતત મોંઘવારી અને ઘટતી વાસ્તવિક આવકનો સામનો કરી રહ્યા છે. CPIએ વધુમાં કહ્યું કે સિલિન્ડર પરના કરમાં રાહત ન આપવાનો સરકારનો નિર્ણય તેની જનવિરોધી નીતિને દર્શાવે છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને ભાવવધારા માટે કારણ બતાવવું સરકારની જવાબદારીથી બચવાનો પ્રયાસ છે, એવો આરોપ પણ પક્ષે લગાવ્યો છે. પાર્ટીએ દાવો કર્યો કે આ નીતિઓ અમેરિકાના વૈશ્વિક હિતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે અને દેશના લોકોના હિતો અવગણવામાં આવી રહ્યા છે. અંતે CPIએ LPGના વધારેલા ભાવો તાત્કાલિક પાછા ખેંચવાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે શનિવારે ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતે 60નો વધારો થયો હતો, જે એક વર્ષથી પણ ઓછા સમયમાં બીજો વધારો છે. સુધારેલા દર મુજબ દિલ્હીમાં 14.2 કિલોના સબસિડી વગરના સિલિન્ડરની કિંમત હવે 953 થઈ છે, જે પહેલા 853 હતી. જયારે સુધારેલા દર મુજબ સુરતમાં 14.2 કિલોના સબસિડી વગરના સિલિન્ડરની કિંમત હવે 978 થઈ છે, જે પહેલા 858 હતી. ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લાભાર્થીઓને પણ આ વધારાનો અસર પડશે અને તેઓ હવે પ્રતિ સિલિન્ડર 613 ચૂકવશે, જેમાં દર વર્ષે 12 રિફિલ સુધી મળતી 300ની સબસિડીનો સમાવેશ થાય છે. સાથે જ 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં 114.50નો વધારો નોંધાયો છે.

Most Popular

To Top