Vadodara

વડોદરા જિલ્લાના વિકાસને નવી ઊંચાઈ આપતું આયોજન, કુલ ₹1820.62 લાખના 667 વિકાસકામોને લીલીઝંડી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ની અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક સંપન્ન

8 તાલુકાઓ અને 5 નગરપાલિકાઓની બજેટ જોગવાઈમાં રાજ્ય સરકાર દ્વારા ધરખમ વધારો

(પ્રતિનિધિ), વડોદરા. તા.6

વડોદરા જિલ્લાના છેવાડાના માનવી સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવા અને ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે આજે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વડોદરા જિલ્લા આયોજન મંડળની મહત્વની બેઠક યોજાઈ હતી. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા વડોદરા જિલ્લાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી ના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં વર્ષ 2026-27 ના નવા આયોજનને મંજૂરી આપવાની સાથે અગાઉના વર્ષોના કામોની પ્રગતિની પણ સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકની શરૂઆતમાં રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને મળતી ગ્રાન્ટમાં કરવામાં આવેલા નોંધપાત્ર વધારાની વિગતો રજૂ કરવામાં આવી હતી.

  • તાલુકા કક્ષાએ :- વડોદરા જિલ્લાના 8 તાલુકાઓ માટે અગાઉની ₹10.00 કરોડની જોગવાઈ વધારીને હવે ₹16.00 કરોડ કરવામાં આવી છે. આ વધારાથી ગ્રામીણ વિસ્તારોમાં વધુ આધુનિક સુવિધાઓ ઊભી થઈ શકશે.
  • નગરપાલિકા કક્ષાએ :- જિલ્લાની 5 નગરપાલિકાઓ માટેની અગાઉની ₹1.25 કરોડની જોગવાઈ બમણી કરીને ₹2.50 કરોડ કરવામાં આવી છે.

બેઠકમાં વર્ષ 2026-27 માટે 15 ટકા વિવેકાધીન જોગવાઈ હેઠળ વિવિધ વિકાસકામોને મંજૂરી આપવામાં આવી હતી. કુલ ₹1820.62 લાખના ખર્ચે જે કામો હાથ ધરવામાં આવશે. મંજૂર થયેલા 667 કામોમાં મુખ્યત્વે આંતરિક રસ્તાઓ, પીવાના પાણીની વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ, ગટર વ્યવસ્થા, આરોગ્ય કેન્દ્રોનું સુદ્રઢીકરણ, શિક્ષણ અને પોષણ જેવી પાયાની જરૂરિયાતો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

વડોદરા જિલ્લામાં વર્ષ 2022-23 થી વર્ષ 2025-26 દરમિયાન વિકાસની ગતિ તેજ રહી છે. આ સમયગાળા દરમિયાન સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવેલ કુલ ₹100.7થી કરોડની ગ્રાન્ટ સામે અત્યાર સુધીમાં ₹95.37 કરોડના ખર્ચે કુલ 4873 વિકાસકામો મંજૂર કરવામાં આવ્યા છે, જેમાંથી મોટાભાગના કામો પૂર્ણ થઈ ગયા છે અથવા પ્રગતિ હેઠળ છે. બેઠકના અંતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ જિલ્લાના વહીવટી તંત્રને સંબોધતા જણાવ્યું હતું કે, વિકાસના કામો માત્ર કાગળ પર નહીં પણ જમીન પર દેખાવા જોઈએ. તેમણે ખાસ સૂચના આપી હતી કે, વર્ષ 2022-23 થી 2025-26 ના જે કામો બાકી છે, તેને સરકારની નિયત સમયમર્યાદામાં તાકીદે પૂર્ણ કરવા. કોઈપણ કામની ગુણવત્તા (Quality Control) સાથે બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. જનપ્રતિનિધિઓ દ્વારા સૂચવવામાં આવેલા લોકઉપયોગી કામોને પ્રાથમિકતા આપવી.

આ બેઠકમાં વડોદરા જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, ધારાસભ્યો તથા વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top