મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં આજે 5 માર્ચે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટુર્નામેન્ટની બીજી સેમિફાઇનલ રમાવાની છે. આ હાઇ-વોલ્ટેજ મુકાબલા માટે ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, મેચ પહેલાં સૌથી મોટો સવાલ હવામાનને લઈને ઊભો થયો છે. શું વરસાદ મેચમાં ખલેલ પહોંચાડશે કે ચાહકોને પૂર્ણ મેચ જોવા મળશે? હવામાન ખાતાના અનુમાન મુજબ મેચ દરમિયાન મુંબઈમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે. આકાશ મોટા ભાગે સાફ રહેવાની અપેક્ષા છે. મેચ દરમિયાન તાપમાન આશરે 27 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે, જે ખેલાડીઓ માટે અનુકૂળ માનવામાં આવે છે. જોકે, ભેજનું પ્રમાણ 70 ટકાથી વધુ રહેવાની સંભાવના છે, જે ઝડપી બોલરો અને ફિલ્ડરો માટે થોડી મુશ્કેલી ઉભી કરી શકે છે.
આ મહત્વપૂર્ણ મુકાબલામાં જીતનાર ટીમ સીધી ફાઇનલમાં પ્રવેશ કરશે. પ્રથમ સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડે કોલકાતામાં દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું છે. ફિન એલનની વિસ્ફોટક બેટિંગના કારણે ન્યુઝીલેન્ડે સરળ જીત મેળવી હતી. હવે બધાની નજર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે થનારી બીજી સેમિફાઇનલ પર છે. આ મેચનો વિજેતા ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ટાઇટલ માટે ટક્કર આપશે. ભારતીય ટીમ સતત બીજી વખત ફાઇનલમાં પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. હવામાનની વાત કરીએ તો ચાહકો માટે રાહતભરી માહિતી છે.
બંને ટીમો:
ભારત: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, સંજુ સેમસન, શિવમ દુબે, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રિંકુ સિંહ.
ઇંગ્લેન્ડ: હેરી બ્રુક (કેપ્ટન), રેહાન અહેમદ, જોફ્રા આર્ચર, ટોમ બેન્ટન, જેકબ બેથેલ, જોસ બટલર, સેમ કુરન, લિયામ ડોસન, બેન ડકેટ, વિલ જેક્સ, જેમી ઓવરટન, આદિલ રશીદ, ફિલ સોલ્ટ, જોશ ટંગ, લ્યુક વુડ.