ગલ્ફ વિસ્તારમાં વધતા સંઘર્ષ વચ્ચે સંયુક્ત આરબ અમીરાતે સુરક્ષા સ્થિતિ ગંભીર બન્યાની પુષ્ટિ કરી છે. અમેરિકા-ઇઝરાયલ-ઈરાન વચ્ચેનો તણાવ વિસ્તરતા યુએઈએ જણાવ્યું છે કે અત્યાર સુધી તે 1,000થી વધુ હુમલાઓનો સામનો કરી ચૂક્યો છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દેશ “સ્વ-બચાવના કાયદેસર અધિકાર” હેઠળ જરૂરી પગલાં લેશે. યુએઈએ પુનરોચ્ચાર કર્યો કે તે આ યુદ્ધનો ભાગ નથી અને ઈરાન સામે કોઈપણ હુમલા માટે તેના પ્રદેશ, જળસીમા અથવા હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. વધતા તણાવ વચ્ચે દુબઈમાં સ્થિત અમેરિકી કોન્સ્યુલેટને ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવ્યું. અધિકારીઓ મુજબ હુમલાના કારણે મર્યાદિત આગ લાગી હતી, જે બાદમાં કાબૂમાં લેવામાં આવી. કોઈ જાનહાનિનો અહેવાલ નથી. આ ઘટના થોડા દિવસો અગાઉ કુવૈત અને સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકી દૂતાવાસો પર થયેલા હુમલાઓ પછી સામે આવી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે અબુ ધાબીમાં દૂતાવાસ અને દુબઈમાં કોન્સ્યુલેટને અનિશ્ચિત સમય માટે બંધ કરવાની જાહેરાત કરી છે. તમામ વિઝા અને વ્યક્તિગત કોન્સ્યુલર સેવાઓ સ્થગિત કરવામાં આવી છે.
અમેરિકી સરકારે યુએઈમાં રહેલા પોતાના નાગરિકોને તાત્કાલિક દેશ છોડવા સૂચના આપી છે. લેવલ-3 ટ્રાવેલ એડવાઈઝરી યથાવત રાખવામાં આવી છે. ફ્લાઇટ ઉપલબ્ધ ન હોય તો ઓમાન અથવા સાઉદી અરેબિયા સાથેની જમીન સરહદો મારફતે બહાર નીકળવાની ભલામણ કરવામાં આવી છે. ભારત સરકારે યુએઈમાં રહેલા ભારતીયોને સતર્ક રહેવા અને અબુ ધાબીમાં ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવાની સલાહ આપી છે. બિનજરૂરી મુસાફરી ટાળવા અને સ્થાનિક સત્તાવાળાઓના નિર્દેશોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. આ વચ્ચે ઇઝરાયલે ઈરાનની રાજધાની તેહરાન સહિત અનેક વિસ્તારોમાં “વ્યાપક” હુમલાઓ શરૂ કર્યા હોવાનું જણાવ્યું છે, જેને કારણે ગલ્ફ ક્ષેત્રમાં સુરક્ષા ચિંતાઓ વધુ ગાઢ બની રહી છે.