નાની ઉંમરે મોટું ઇનોવેશન: નિશાનો ‘Boo Box’ થયો પેટન્ટ
અભિનેત્રી Sunny Leoneએ પોતાની 10 વર્ષની દીકરી નિશાની અનોખી સિદ્ધિ વિશે ખુલાસો કર્યો છે. નિશાએ ‘Boo Box’ નામની એક ક્રિએટિવ શોધ બનાવી છે, જેને પેટન્ટ પણ મળ્યું છે. ખાસ વાત એ છે કે આ પ્રોડક્ટ હવે બજારમાં ઉપલબ્ધ છે અને તેની કિંમત લગભગ ₹999 રાખવામાં આવી છે. સન્નીએ માહિતી કોરિયોગ્રાફર અને ફિલ્મમેકર Farah Khan સાથે ની વાતચીત દરમિયાન આપી.
ફરાહ ખાન પોતાના તાજેતરના યુટ્યુબ વ્લોગ માટે સન્ની લિઓનના મુંબઈ સ્થિત ઘરે પહોંચી હતી. આ મુલાકાત દરમિયાન બંને વચ્ચે પરિવાર, જીવન અને બાળકો વિશે રસપ્રદ ચર્ચા થઈ. એ દરમિયાન સન્નીએ ગર્વથી જણાવ્યું કે દીકરી નિશાએ નાની ઉંમરે જ એક અનોખી શોધ કરી છે અને તેનું પેટન્ટ પણ મેળવી લીધું છે.
શું છે ‘Boo Box’?
‘Boo Box’ એક 2-ઇન-1 ડિઝાઇનવાળું પ્રોડક્ટ છે. તેમાં ટિશ્યુ હોલ્ડર સાથે નાનું બિલ્ટ-ઇન ટ્રેશ બિન જોડાયેલું છે. સામાન્ય રીતે લોકો ટિશ્યુ વાપરે પછી તેને ફેંકવા માટે અલગથી ડસ્ટબિન શોધતા હોય છે. પરંતુ આ પ્રોડક્ટમાં ટિશ્યુ ઉપયોગ કર્યા બાદ તરત જ તેમાં નાખી શકાય છે, જેથી આસપાસ ગંદકી ન રહે અને જગ્યા સાફસૂફ રહે.
કેવી રીતે આવ્યો આ વિચાર?
સન્નીએ જણાવ્યું કે મુંબઈમાં ધૂળને કારણે ઘણા બાળકોને એલર્જી રહે છે અને નિશાને પણ આવી સમસ્યા હતી. તે વારંવાર ટિશ્યુ વાપરતી અને પછી તે આસપાસ પડી રહેતા. સન્ની તેને વારંવાર સમજાવતી કે વપરાયેલ ટિશ્યુ ડસ્ટબિનમાં નાખવો જોઈએ.
એક દિવસ જ્યારે સન્ની ઘરે આવી, ત્યારે તેણે જોયું કે નિશાએ ટિશ્યુ બોક્સ સાથે એક ડિસ્પોઝેબલ કપ ટેપથી જોડીને નાનો બિન બનાવી દીધો હતો. આ જોઈને સન્નીને આ વિચાર ખૂબ રસપ્રદ લાગ્યો. ત્યારબાદ આ જ વિચારને પ્રોડક્ટમાં ફેરવવામાં આવ્યો અને તેને પેટન્ટ પણ મળી ગયું.
પરિવારની મજેદાર પ્રતિક્રિયા
સન્નીએ હસતાં કહ્યું કે હવે તેમના દીકરાઓને લાગે છે કે નિશા ભવિષ્યમાં ખૂબ પૈસા કમાશે અને તેમને તેની પાસેથી પૈસા માંગવા પડશે. સન્નીએ મજાકમાં ઉમેર્યું કે નિશા માત્ર 10 વર્ષની ઉંમરે જ કમાણી શરૂ કરી ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે સન્ની લિઓન અને તેમના પતિ Daniel Weberએ વર્ષ 2017માં મહારાષ્ટ્રના Laturમાંથી નિશાને દત્તક લીધી હતી. ત્યારબાદ થોડા સમય પછી તેમના દીકરાઓ નોહ અને આશરનો જન્મ સરોગેસી દ્વારા થયો હતો. નિશાની આ સફળતા હવે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની છે.