સાણંદથી ધોલેરા સુધી સેમિકન્ડક્ટર શક્તિ – ગુજરાત બનશે ટેક્નોલોજી હબ
નવી વિજ્ઞાન-ટેક્નોલોજી નીતિ 2026–2031 જાહેર • સેમિકોન 2.0 સાથે સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે વૈશ્વિક લીડર બનવાનો સંકલ્પ • 2027 સુધી ‘મેડ ઇન ઇન્ડિયા’ ચિપનું લક્ષ્ય
ગાંધીનગર,તા.1
ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિરમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવની હાજરીમાં ‘ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ 2026’નું આરંભ થયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગુજરાત સરકારની નવી વિજ્ઞાન, ટેક્નોલોજી અને નવીનતા નીતિ 2026–2031નું અનાવરણ પણ કરવામાં આવ્યું.
‘ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ 2026’ને સંબોધતા અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારત હવે ટેક્નોલોજીના ક્ષેત્રમાં માત્ર ચાલવાનું નહીં, પરંતુ દોડવાનું શીખી રહ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન દેશના આગામી વિકાસ તબક્કાના મુખ્ય આધાર બનશે.તેમણે કહયું હતું કે સેમિકોન 1.0 હેઠળ દેશમાં અત્યાર સુધી 10 સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમો સ્થાપિત થયા છે, જેમાં પ્રથમ એકમમાં ઉત્પાદન શરૂ થઈ ગયું છે. વર્ષ 2026ના અંત સુધીમાં વધુ ત્રણ એકમ કાર્યરત થશે. હવે સેમિકોન 2.0 હેઠળ ડીપ-ટેક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનું અને સમગ્ર ઉત્પાદન શ્રૃંખલાને સ્થાનિક સ્તરે વિકસાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું હતું કે સાણંદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે માઈક્રોનના પ્રથમ પ્લાન્ટના પ્રારંભ સાથે ભારતે વૈશ્વિક સેમિકન્ડક્ટર નકશા પર પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.તેમણે ધોલેરા ખાતે આવેલી ટાટા ઈલેકટ્રોનિકસની સેમિકન્ડક્ટર ફેબ સાઇટની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી અને કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા. 2027 સુધીમાં ‘મેડ ઇન ઇન્ડિયા’ ચિપ તૈયાર થવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી. સેમિકોન 2.0 અંતર્ગત ભારત માત્ર ચિપ ઉત્પાદન સુધી સીમિત નહીં રહે, પરંતુ ચિપ બનાવવાની મશીનરી, કાચામાલ અને પરીક્ષણ વ્યવસ્થાનો પણ વિકાસ કરશે. ડિઝાઇન ઇકોસિસ્ટમ મજબૂત બનાવીને વૈશ્વિક સ્તરની કંપનીઓ જેવી કે ક્વાલકોમ, બ્રોડકોમ અને એનવીડિયા જેવી ક્ષમતાઓ દેશમાં જ વિકસે તે દિશામાં પ્રયાસ થશે.
તેમણે જણાવ્યું હતું કે વિશ્વભરમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે 20 લાખ નિષ્ણાતોની અછત ઊભી થવાની શક્યતા છે, જેને ભારત પૂરી કરશે. 10 વર્ષમાં 85 હજાર ઇજનેરો તૈયાર કરવાનો લક્ષ્યાંક માત્ર ચાર વર્ષમાં હાંસલ થયો છે. હાલમાં દેશની 35 યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ વાસ્તવિક ચિપ ડિઝાઇન કરી રહ્યા છે, જેને વધારીને 500 યુનિવર્સિટીઓ સુધી લઈ જવાનું આયોજન છે.છેલ્લા 10 વર્ષમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્ર રૂ. 2 લાખ કરોડથી વધીને રૂ. 12 લાખ કરોડ સુધી પહોંચ્યું છે, જે દેશની ટેક્નોલોજીકલ આત્મનિર્ભરતાનું પ્રતિબિંબ છે.કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાતની નવી વિજ્ઞાન અને ટેક્નોલોજી નીતિ 2026–2031 રાજ્યને સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે વૈશ્વિક નકશા પર અગ્રેસર બનાવશે.