SURAT

હોળી પહેલા વતન વાટ પર માનવ મહેરામણ

ઉધના રેલવે સ્ટેશન પર ભીડનો વિસ્ફોટ, ટ્રેનો બનીહાઉસફુલ’

હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત માં વસતા ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડના હજારો શ્રમિકોમાં વતન પહોંચવાની આતુરતા શિખરે પહોંચી છે. શહેરના ઉધના રેલવે સ્ટેશન પર સવારથી જ લોકોના રેલાચેલાથી માનવ સમુદ્ર સર્જાયો છે. પ્લેટફોર્મ, ટિકિટ વિન્ડો અને પ્રવેશદ્વાર જ્યાં નજર કરો ત્યાં માત્ર મુસાફરો જ દેખાઈ રહ્યા છે.

અંદાજે બે થી ત્રણ લાખ લોકો હોળી ઉજવવા પોતાના ગામ તરફ રવાના થવા માંગે છે. રેલવે તંત્રે ખાસ ટ્રેનોની વ્યવસ્થા કરી હોવા છતાં, મુસાફરોની સંખ્યા સામે તે પૂરતી સાબિત થઈ રહી નથી. કન્ફર્મ ટિકિટ મેળવવી મુશ્કેલ બની ગઈ છે. અનેક લોકો 10 થી 12 કલાક સુધી સ્ટેશન પર જ રાહ જુએ છે, કેટલાક તો ટિકિટ વિના જ ટ્રેનમાં ચઢવાની તક શોધી રહ્યા છે.

જનરલ કોચની સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. ડબ્બાની અંદર પગ મુકવાની જગ્યા નથી. બેઠકો તો દૂર, ઊભા રહેવું પણ કઠિન બની ગયું છે. અનેક મુસાફરો શૌચાલય પાસે બેસીને અથવા દરવાજા નજીક ઊભા રહી મુસાફરી કરવા મજબૂર બન્યા છે. ગીચતા, ગરમી અને દુર્ગંધ વચ્ચે પણ તેમના ચહેરા પર એક જ લાગણી સ્પષ્ટ દેખાય છે,હોળી પરિવાર સાથે જ ઉજવવાની.

એક્સપ્રેસ ટ્રેનો ને પકડવા માટે મુસાફરો અગાઉની રાતથી જ લાઈનમાં ઉભા રહેતા જોવા મળી રહ્યા છે , લાંબી રાહ બાદ પણ ઘણા લોકોને બેઠક મળી નથી. હવે તેઓ 24 કલાકની ઊભી મુસાફરી માટે મન બનાવી રહ્યા છે.હોળીનો રંગ ચઢ્યો છે, પરંતુ સુરતમાં હાલ ટ્રેનોમાં ભીડનો જ રંગ છવાયો છે.

Most Popular

To Top