પ્રતિનિધિ ગોધરા તા.26
ગોધરા તાલુકાના વણાંકપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીની ખોટી સહી અને પંચાયતના બોગસ સિક્કાનો ઉપયોગ કરી મરણનું ખોટું પ્રમાણપત્ર ઊભું કરવાના ગંભીર મામલે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ, હાલમાં દરૂણીયા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા અને વણાંકપુર-૦૧નો વધારાનો ચાર્જ સંભાળતા તલાટી તુષારકુમાર રણછોડભાઈ સોલંકીએ કાલોલ તાલુકાના સુરેલી ગામના વતની ગંગાબેન ભારતસિંહ પટેલ વિરુદ્ધ આ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. સમગ્ર પ્રકરણની શરૂઆત ત્યારે થઈ જ્યારે અરજદાર ગંગાબેને કલેક્ટર કચેરી પંચમહાલ ખાતે ચાલતી આર.ટી.એસ. રિવિઝન અરજીના કામે વર્ષ ૧૯૭૯માં થયેલા બેનીબેન રાયસીંગ ભગાના મરણનું પ્રમાણપત્ર પુરાવા તરીકે રજૂ કર્યું હતું. આ પ્રમાણપત્ર તા. ૦૯/૦૮/૨૦૨૩ ના રોજ વણાંકપુર ગ્રામ પંચાયતમાંથી ઈસ્યુ થયાનું દર્શાવવામાં આવ્યું હતું, જેના પર તલાટીનો ગોળ સિક્કો અને સહી કરવામાં આવ્યા હતા.
જોકે, તલાટી દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું હતું કે પંચાયતના રેકોર્ડ પર જન્મ-મરણનું રજીસ્ટર ઉપલબ્ધ જ નથી અને આવું કોઈ પ્રમાણપત્ર ક્યારેય ઈસ્યુ કરવામાં આવ્યું નથી. આ પ્રમાણપત્રમાં કરવામાં આવેલી સહી અને લખાણ પણ તલાટીના હસ્તાક્ષરમાં ન હોવાનું સ્પષ્ટ થયું હતું. કોઈ અકળ રીતે પંચાયતના નામે બોગસ સિક્કો બનાવી સરકારી દસ્તાવેજ સાથે છેડછાડ કરી કલેક્ટર કચેરીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે તાલુકા વિકાસ અધિકારી ગોધરા દ્વારા હકીકતલક્ષી અહેવાલ મંગાવ્યા બાદ, ઉચ્ચ અધિકારીઓના આદેશાનુસાર ગોધરા તાલુકા પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હવે આ બોગસ દસ્તાવેજ ક્યાં અને કોની મદદથી તૈયાર કરવામાં આવ્યો તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
રિપોર્ટર: આશિષ બારીયા