PF–ESI–બોનસ મામલે તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતનો આક્ષેપ, કલેક્ટરને ફરિયાદ
(પ્રતિનિધિ) નડિયાદ | તા. 26
નડિયાદ મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરતા કર્મચારીઓના આર્થિક હિતોનું વર્ષોથી ગંભીર રીતે શોષણ થતું હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને લેખિત આવેદન પાઠવવામાં આવ્યું છે. વર્ષ 2011થી પ્રોવિડન્ટ ફંડ (PF) અને ત્યારબાદ 2022થી ESIની રકમ જમા ન કરાવી શ્રમ કાયદાઓનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો ઉઠાવવામાં આવ્યા છે.
પગારમાંથી કપાત, પણ ખાતામાં જમા નહીં
નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂ કરાયેલી વિગતો મુજબ, પાલિકામાં કાર્યરત કોન્ટ્રાક્ટરો કર્મચારીઓના પગારમાંથી કાયદેસર PF અને ESIની કપાત કરે છે, પરંતુ તે રકમ નિયત સમયમર્યાદામાં સરકારી ખાતામાં જમા કરાવાતી નથી. અનેક કર્મચારીઓના PF ખાતામાં શૂન્ય બેલેન્સ જોવા મળતાં આક્ષેપો વધુ મજબૂત બન્યા છે.
2025માં પણ કોન્ટ્રીબ્યુશન બંધ
ખાસ કરીને વર્ષ 2025 દરમિયાન કાર્યરત એજન્સીઓએ એપ્રિલ અને સપ્ટેમ્બર બાદ કોઈ પણ પ્રકારનું કોન્ટ્રીબ્યુશન જમા કરાવ્યું નથી, જે ભારતીય ન્યાય સંહિતા હેઠળ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો બને છે.
પાલિકાના એકાઉન્ટ વિભાગની ભૂમિકા શંકાસ્પદ
આ સમગ્ર મામલે નડિયાદ મનપાના એકાઉન્ટ વિભાગની કામગીરી પણ શંકાના ઘેરામાં છે. PF જમા થયાની પાવતી વગર કોન્ટ્રાક્ટરોના લાખો રૂપિયાના બિલો પાસ કરવામાં આવ્યા, જેના કારણે તંત્ર–કોન્ટ્રાક્ટર મિલીભગતનો આક્ષેપ ઉઠ્યો છે. તત્કાલીન ચીફ ઓફિસર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ભૂમિકાની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
લઘુત્તમ વેતન, બોનસ અને ગ્રેચ્યુટીનો ભંગ
કર્મચારીઓને લઘુત્તમ વેતન કરતા ઓછો પગાર ચૂકવવો, બોનસ અને ગ્રેચ્યુટી ન આપવી તેમજ માહિતી માંગવા છતાં વિગતો છુપાવવી—આ તમામ બાબતો પાલિકાની ગંભીર નિષ્ફળતા દર્શાવે છે.
15 દિવસનું અલ્ટીમેટમ
કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે 15 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
કોંગ્રેસના આગેવાનો હાજર
આ રજૂઆત દરમિયાન જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટ, પૂર્વ કાઉન્સિલર ગોકુલ શાહ, દિનેશ રાઠોડ, નરેશ બ્રહ્મભટ્ટ, ચિમન ઈનામદાર સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.