તંત્રની બેદરકારી સામે આવી
હાલોલ | તા. 24
હાલોલ શહેરના સ્ટેશન રોડ પર સાંઈબાબા મંદિર પાસે વહીવટી તંત્રની બેદરકારીના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. મંદિરના પાછળના ભાગમાં અગાઉ કોઈ કામ અર્થે તંત્ર દ્વારા ખોદવામાં આવેલો મોટો ખાડો યોગ્ય રીતે પુરવામાં ન આવતાં આજે મંગળવારના રોજ એક લોડીંગ ટ્રક ખાડામાં ફસાઈ ગઈ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, સ્ટેશન રોડ પરથી પસાર થતી ટ્રક ટર્ન લેતી વખતે અચાનક આ ખોદેલા ખાડામાં ફસાઈ જતાં ટ્રક ચાલકને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. થોડા સમય પહેલા ખોદવામાં આવેલા આ ખાડાને સરખા પ્રમાણમાં પુરવામાં ન આવતાં આ ઘટના બની હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.
આ ઘટનાને પગલે સ્થાનિક નગરજનો તથા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. તેમણે વહીવટી તંત્ર પાસે માંગ કરી છે કે શહેરના રસ્તાઓ પર ખોદવામાં આવેલા તમામ ખાડાઓને તાત્કાલિક અને યોગ્ય રીતે પુરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય નહીં.
વ્યસ્ત માર્ગ પર આવી બેદરકારી કોઈના જીવ માટે જોખમરૂપ બની શકે છે. તંત્ર દ્વારા વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી નગરજનોની ઉગ્ર માંગ છે.
પ્રતિનિધિ : યોગેશ ચૌહાણ