Gujarat

ચંદ્રગ્રહણને કારણે પાવાગઢમાં હોળીકા દહન અને દર્શન સમય બદલાયા, 2 માર્ચે જ પ્રગટશે હોળી

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિર ખાતે આ વર્ષે હોળી ઉત્સવ અને દર્શન સમયપત્રકમાં મહત્વપૂર્ણ ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે. 3 માર્ચ 2026ના રોજ પુનમ સાથે ચંદ્રગ્રહણ આવતું હોવાથી મંદિર ટ્રસ્ટે ધાર્મિક પરંપરાને અનુરૂપ આયોજનમાં બદલાવ કરવાનો નિર્ણય લીધો છે. શ્રી મહાકાળી માતાજી ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, ગ્રહણ દરમિયાન સુતક લાગતું હોવાથી હોળીકા દહનનો કાર્યક્રમ એક દિવસ અગાઉ એટલે કે ૨ માર્ચ ૨૦૨૬ના રોજ યોજાશે. પરંપરા મુજબ પાવાગઢમાં હોળી પ્રગટ્યા પછી જ આસપાસના ગામોમાં હોળી પ્રગટાવવામાં આવે છે. તેથી તારીખમાં થયેલા આ ફેરફારની નોંધ લેવી ભક્તો માટે જરૂરી બની છે. નવા કાર્યક્રમ અનુસાર 2 માર્ચે સાંજે 6 વાગ્યે શાસ્ત્રોક્ત વિધિથી હોળી પ્રગટાવવામાં આવશે. ત્યારબાદ સાંજે 7 વાગ્યે મહાઆરતી યોજાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેવાની સંભાવના છે.

3 માર્ચના દર્શન સમય અંગે નવી સૂચના

ચંદ્રગ્રહણને કારણે 3 માર્ચે મંદિરના સમયપત્રકમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે:

  • સવારે 5.00 વાગ્યે પુનમની વિશેષ આરતી
  • સવારે 6.00 વાગ્યા સુધી દર્શન
  • સવારે 6.00 વાગ્યા પછી મંદિરના દ્વાર દિવસભર માટે બંધ

ગ્રહણ પૂર્ણ થયા બાદ અને મંદિરના શુદ્ધિકરણ પછી જ ફરીથી દ્વાર ખોલવામાં આવશે. દર પુનમે ડુંગર ચઢતા ભક્તોએ આ સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને યાત્રાનું આયોજન કરવાનું રહેશે. ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે કે 4 માર્ચ 2026થી દર્શન અને આરતીનો નિયમિત નિત્યક્રમ ફરી શરૂ થશે. પંચમહાલ વહીવટીતંત્ર અને મંદિર ટ્રસ્ટે ભક્તોને અપીલ કરી છે કે હોળીકા દહન અને પુનમ દરમિયાન ભારે ભીડ રહેવાની શક્યતા હોવાથી શાંતિ અને વ્યવસ્થા જાળવે. પાવાગઢ શક્તિપીઠમાં ઉજવાતી હોળી અનોખી આધ્યાત્મિક ભાવનાથી જોડાયેલી હોય છે. આ વર્ષે ખગોળીય ઘટનાને ધ્યાનમાં રાખીને લેવાયેલો નિર્ણય ભક્તોની આસ્થા, પરંપરા અને સુવિધાને કેન્દ્રમાં રાખીને લેવામાં આવ્યો હોવાનું ટ્રસ્ટે જણાવ્યું છે.

Most Popular

To Top