Gujarat

અંબાજીમાં મોહનથાળ અને ચિક્કી બંને પ્રસાદને મંજૂરી મળી તો હવે આ મંદિરમાં પ્રસાદનો વિવાદ સર્જાયો

પાવગઢ: અંબાજી મંદિરમાં મોહનથાળ અને ચિક્કી બંને પ્રસાદને લઈ ચાલી રહેલો વિવાદ ઉકેલાયો ત્યારે અન્ય પ્રસિદ્ધ મંદિરમાં પ્રસાદને લઈને વિવાદ સામે આવ્યો છે. પાવાગઢના મહાકળી માતાજીના મંદિરે હવે ભક્તો છોલેલું શ્રીફળ મંદિરમાં લઈને જઈ શક્શે નહીં. મંદિરના ટ્રસ્ટે ભક્તો માટે છોલ્યા વિનાનું આખું નાળિયેર માતાજીને ધરીને પોતાને ઘરે લઈ જવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામમાંથી એક પાવાગઢ મંદિરે દરરોજ હાજરો ભક્તો દર્શન માટે આવતા હોય છે. ત્યારે ભક્તો માતાજીને પ્રસાદી રૂપે શ્રીફળ, ચુંદરી ધરાવતા હોય છે. ત્યારે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા માતાજીને ધરાવતો પ્રસાદ શ્રીફળને લઈને એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. પાવાગઢ મંદિરના ટ્રસ્ટે નિર્ણય કર્યો છે કોઈપણ વ્યક્તિ મંદિરમાં છોલેલું શ્રીફળ લઈને જઈ શકશે નહીં, તેના બદલે ભક્તો આખું નાળિયેર માતાજીને ધરાવી પોતાના ઘરે લઈ જઈ શકશે. આ નિર્ણયનો અમલ 20 માર્ચ 2023ને સોમવારથી લાગુ કરવામાં આવશે. તેથી કોઈપણ વ્યક્તિ 20 માર્ચથી છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકશે નહીં. ટ્રસ્ટીના જણાવ્યા અનુસાર આ નિર્ણય સ્વચ્છતાને લઈને કરવામાં આવ્યો છે.

કોઈપણ વેપારી છોલેલું નારિયેળ વેચી શકશે નહીં
પાવાગઢ મંદિના ટ્રસ્ટે મંદિરની નજીક કોઈપણ વેપારીઓને છોલેલા શ્રીફળ વહેચવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જો કોઈ વેપારી પાસેથી છોલેલું શ્રીફળ મળશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વેપારી છોલેલું શ્રીફળ વેચશે તો તેને દંડ કરવામાં આવશે. જો કે પાવાગઢ મંદિરના ટ્રસ્ટી દ્વારા લેવાયેલા આ નિર્ણયથી ભક્તોમાં તેમજ સ્થાનિક વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. નવા નિયમના કારણે વેપારીઓમાં આક્રશ છે. બીજી તરફ અંબાજી મંદિરનો પ્રસાદ વિવાદમાં સમજૂતી જોવા મળી છે.

મોહનથાળ અને ચિક્કી એમ બંને પ્રસાદને મળી મંજૂરી
અંબાજીમાં ચાર માર્ચથી મોહનથાળ બંધ કરી ચીકી આપવાના નિર્ણયથી શ્રદ્ધાળુઓ, સાધુ-સંતો, મંદિરના ભટ્ટજી, દાંતાના મહારાજથી લઈને વિપક્ષ કોંગ્રેસ પણ વિરોધ કરી રહ્યા હતા. આ વિવાદ વચ્ચે ગાંધીનગર ખાતે અંબાજી મંદિરના વહીવટદારોને બોલાવીને સરકાર દ્વારા બેઠક કરવામાં આવી હતી. ત્યારે સરકાર દ્વારા ભક્તોનો પ્રિય પ્રસાદ મોહનથાળ અને સરકારે નક્કી કરેલો પ્રસાદ ચીક્કી બંને પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. તેમજ મોહનથાળની ક્વોલિટી સુધારવામાં આવશે તેવું બેઠક બાદ નક્કી કરાયું છે.

પ્રસાદ વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચી શકે છે!
અંબાજી મંદિરમાં મોહનથાળ અને ચિક્કીના પ્રસાદ વિવાદ વધી રહ્યો છે. મોહનથાળ બંધ કર્યા બાદ 1 માર્ચથી ચિક્કીનો પ્રસાદ મળતા જ વિવાદ વધ્યો હતો. ત્યારે ચિક્કીનો વિરોધ કરી રહેલા ભક્તો, વેપારીઓ,સાધુ-સંતો, મંદિરના ભટ્ટજીને વિરોધ બંધ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમજ આ મામલો હવે હાઇકોર્ટમાં પણ પહોંચવાની તૈયારીમાં છે. તાજેતરમાં જ અંબાજી મંદિરના પૂર્વ ટ્રસ્ટી અને દાંતા રાજવી પરિવારના પરમવીરસિંહે જણાવ્યું હતુ કે, આ મામલે જો સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો તેઓ હાઇકોર્ટ પણ જવા તૈયાર છે અને અંબાજી મંદિર સુધી વિશાળ રેલીનું પણ પણ આયોજન કરવામાં આવશે.

Most Popular

To Top