Gujarat

‘સિંગલ ક્લિક’થી ₹461 કરોડ ઉદ્યોગકારોના ખાતામાં

ગાંધીનગર : રાજય સરકારના ઉદ્યોગ અને MSME વિભાગ દ્વારા રાજ્યના ઉદ્યોગકારોને ઝડપી અને પારદર્શક રીતે નાણાકીય સહાય પહોંચાડવાના હેતુથી ગાંધીનગર ખાતે વિશેષ ‘સિંગલ ક્લિક પેમેન્ટ પ્રોગ્રામ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડે સીએમ હર્ષ સંઘવીના હસ્તે માત્ર એક ક્લિકથી કુલ 2048 લાભાર્થીઓના બેંક ખાતામાં રૂ. 461.04 કરોડની માતબર રકમ સીધી જમા કરાવવામાં આવી હતી.

આ કાર્યક્રમ અંતર્ગત ઉદ્યોગ અને MSME વિભાગની વિવિધ પ્રોત્સાહક યોજનાઓનો વ્યાપક લાભ આપવામાં આવ્યો. જેમાં MSME ક્ષેત્રની વિવિધ યોજનાઓ હેઠળ 1715 લાભાર્થીઓને રૂ. 80.96 કરોડની સહાય આપવામાં આવી. રાજ્યના મહત્વના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા 202 લાભાર્થીઓને રૂ. 184.97 કરોડ તથા લાર્જ ઇન્ડસ્ટ્રીઝના 126 લાભાર્થીઓને રૂ. 188.77 કરોડની સહાય ઈ-પેમેન્ટ મારફતે સીધી જ તેમના ખાતામાં જમા કરાવવામાં આવી હતી.

રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી આ ડિજિટલ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ સહાય ચુકવણી પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ, સરળ અને પારદર્શક બનાવવાનો છે. સિંગલ ક્લિક પેમેન્ટ મોડલથી વચેટિયાઓની ભૂમિકા સમાપ્ત થઈ છે અને લાભાર્થીઓને સમયસર સહાય મળી રહી છે. ઉદ્યોગ અને MSME ક્ષેત્ર રાજ્યની આર્થિક પ્રગતિનું મુખ્ય આધારસ્તંભ છે. આવા સીધા નાણાકીય સહાય પગલાંથી રાજ્યમાં રોકાણ પ્રોત્સાહન, ઉત્પાદન ક્ષમતા વધારો અને રોજગારી સર્જનમાં નોંધપાત્ર ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.એક જ ક્લિકથી રૂ. 461 કરોડનું વિતરણ રાજ્યમાં ડિજિટલ ગવર્નન્સ અને પારદર્શક શાસનની દિશામાં મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થયું છે.

Most Popular

To Top