Charotar

આણંદના ઉમેટા બ્રિજ પર સવારથી જ ટ્રાફિક જામ: એમ્બ્યુલન્સ ફસાતા લોકોમાં ભારે રોષ

વહેલી સવારે 5-30 કલાકથી વાહનોની લાંબી કતારો લાગી

ગંભીરા બ્રિજની ઘટના બાદ આ રૂટ પર ટ્રાફિકનું ભારણ વધ્યું


આણંદ.
આણંદ અને વડોદરા જિલ્લાને જોડતા મહત્વના એવા ઉમેટા બ્રિજ પર બુધવાર વહેલી સવારથી જ ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. વહેલી સવારે 5-30 વાગ્યાથી શરૂ થયેલા આ ટ્રાફિક જામમાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી, જેના કારણે આણંદ અને વડોદરા વચ્ચે અપ-ડાઉન કરતા નોકરીયાતો અને વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
આ ટ્રાફિક જામની સ્થિતિ એટલી ગંભીર હતી કે તેમાં એક 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. આવા કટોકટીના સમયે એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં અટવાઈ જતાં દર્દીની હાલત કફોડી બની હતી અને આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગંભીરા બ્રિજની ઘટનાને કારણે ઉમેટા બ્રિજ પર વાહનોની અવરજવર અને ટ્રાફિકનું ભારણ રોજેરોજ વધી રહ્યું છે. જોકે વહીવટી તંત્ર દ્વારા આ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમ છતાં વાહનોની સંખ્યા વધુ હોવાથી ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની રહી છે.
આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, સવારના 9 વાગ્યા સુધી પણ ટ્રાફિક હળવો કરવા માટે તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હતા. તંત્રની આ નિષ્ક્રિયતાને કારણે સામાન્ય પ્રજાએ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈને હાલાકી ભોગવવી પડી હતી.

Most Popular

To Top