SURAT

Surat Municipal Corporation કમિશનરના નામે બોગસ WhatsApp એકાઉન્ટ,ઠગાઈનો પ્રયાસ નાગરિકોને એલર્ટ

Surat Municipal Corporation (મનપા) ના નવનિયુક્ત કમિશનર એમ.નાગરાજનના નામ અને ફોટોનો દુરુપયોગ કરી બોગસ વોટ્સએપ એકાઉન્ટ બનાવવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે,આ બનાવ બાદ મનપા તંત્ર સતર્ક બન્યું છે અને નાગરિકો સાથે સાથે તમામ અધિકારીઓ-કર્મચારીઓને સાવધાન રહેવાની અપીલ કરી છે. મનપા અધિકારીઓ પાસે થી મળતી માહિતી અનુસાર, અજાણ્યા નંબર પરથી કમિશનરના નામે મેસેજ મોકલી નાણાંની માંગણી અથવા તાત્કાલિક ટ્રાન્સફર કરવા સૂચના આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જોકે, સમયસર સતર્કતા દાખવાતા કોઈ આર્થિક નુકસાન થયું નથી.મનપા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે કમિશનર અથવા અન્ય કોઈ ઉચ્ચ અધિકારી વ્યક્તિગત રીતે વોટ્સએપ, કોલ અથવા મેસેજ દ્વારા નાણાં માંગતા નથી,આ મામલે સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

હાલ પોલીસે બોગસ એકાઉન્ટ બનાવનાર અને ચલાવનાર શખ્સની ઓળખ મેળવવા ટેકનિકલ તપાસ શરૂ કરી છે. મોબાઇલ નંબર,આઈપી એડ્રેસ અને ડિજિટલ ટ્રેલના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.મનપા તંત્રએ નાગરિકોને ખાસ સૂચના આપી છે કે અજાણ્યા નંબર પરથી પૈસાની માંગણી થાય તો તરત જ સત્તાવાર સ્તરે ચકાસણી કરવી. કોઈપણ વ્યક્તિગત,બેંકિંગ અથવા OTP જેવી ગુપ્ત માહિતી ક્યારેય શેર ન કરવી.સાયબર ફ્રોડની ફરિયાદ માટે 1930 હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવા અથવા નજીકના સાયબર પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે શહેરમાં અગાઉ પણ સરકારી અધિકારીઓના નામે બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી ઠગાઈના પ્રયાસો થયા હોવાના બનાવો સામે આવ્યા છે.તેથી ડિજિટલ યુગમાં સાવચેતી જ સુરક્ષા છે તે સંદેશા સાથે મનપા તંત્રએ સૌને જાગૃત અને સચેત રહેવાની સલાહ આપી છે.

Most Popular

To Top