ગાંધીનગર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં જ રાજ્ય ભાજપમાં આંતરિક અસંતોષ ખુલ્લો પડી રહ્યો છે. એક તરફ નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકામાં સામૂહિક રાજીનામાનો દોર શરૂ થયો છે, તો બીજી તરફ સુરત અને વડોદરામાં પણ સંગઠન સ્તરે હલચલ તેજ બની છે. ચૂંટણી પૂર્વે ઊભેલા આ આંતરિક જુથવાદે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય ઉભો કર્યો છે.નવસારી, સુરત અને વડોદરા જેવા જિલ્લાઓમાં ઊભા થયેલા આંતરિક વિખવાદે ભાજપ માટે ચૂંટણી પૂર્વે પડકાર ઊભો કર્યો છે. આંતરિક જુથવાદ અને અસંતોષનું રાજકારણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર કેટલી અસર કરશે તે આવનારો સમય નક્કી કરશે.રાજકીય વિશ્લેષકો માને છે કે સંગઠન માટે હાલ આંતરિક સમન્વય જ સૌથી મોટો મુદ્દો બની રહ્યો છે. ચૂંટણી પહેલા અસંતોષ શમાવવો પક્ષ માટે રાજકિય પડકાર ગણાય છે.
નવસારી – જલાલપોરમાંથી સામૂહિક રાજીનામા, આંક 22 પાર
નવસારી જિલ્લા ભાજપનું નવું સંગઠન જાહેર થતા થતાં જ નવનિયુક્ત ઉપપ્રમુખ, મંત્રી અને બે મોરચાના મહામંત્રીઓએ જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહને ટેલિફોનિક જાણ કરી સામૂહિક રાજીનામું મૂકી દીધું હતું.ત્યારબાદ જલાલપોર તાલુકાના બે મહામંત્રીઓ અને મહિલા મોરચાના મહામંત્રીએ પણ પદ છોડતાં રાજીનામાનો આંક 22 પર પહોંચી ગયો છે. આવનારા સમયમાં આ આંક 100 પાર જઈ શકે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં છે. જલાલપોરના કાર્યકરોનો આક્ષેપ છે કે જિલ્લામાં વર્ષોથી તેમની અવગણના થઈ રહી છે.
વડોદરા- વોર્ડ પ્રમુખ અને મહામંત્રીના રાજીનામા
વડોદરામાં વોર્ડ 8ના પ્રમુખ વિપુલ બારોટ અને મહામંત્રી વિજય ચાવડાનું રાજીનામું લેવામાં આવ્યું છે. પક્ષ તરફથી સૂચના મળ્યા બાદ બંનેએ અંગત કારણો દર્શાવી રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.તેમ છતાં, રાજકીય ખેમામાં કરોડિયાની જમીન અને આકારણી વિવાદને લઈને રાજીનામું લેવાયું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જમીન સોદા અને દલાલી મુદ્દે ઉઠેલા વિવાદ બાદ સંગઠને કડક વલણ અપનાવ્યું હોવાનું માનવામાં આવે છે.
સુરત – આદિવાસી મોરચાના મંત્રીનો પક્ષત્યાગ
સુરતમાં પણ સંગઠન અંદર અસંતોષ સામે આવ્યો છે. આદિવાસી મોરચાના મંત્રી ગણપત રાઠોડે બારડોલી તાલુકા સંગઠન પર ગંભીર આક્ષેપો કરીને પક્ષના તમામ હોદ્દા અને સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.તેમનો આક્ષેપ છે કે સંગઠનમાં સતત અવગણના અને ભેદભાવ રાખવામાં આવી રહ્યો હતો. પ્રતિકૂળ પરિસ્થિતિ છતાં કાર્યકર તરીકે જવાબદારી નિભાવી હોવાનો દાવો કરતાં અંતે આંતરિક વલણથી કંટાળીને રાજીનામું આપવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે.