Charchapatra

ગુજરાતી ભાષાની ઘોર

વિશ્વમાં હજારો ભાષાઓ લુપ્ત થઇ ગઈ છે અને ડઝનો ભાષાઓ લુપ્તપ્રાય છે. ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં અંગ્રેજી માધ્યમનો વા વાયો છે. વળી, અન્ય પ્રાંતનાં ડાયાસ્પોર આવીને વસ્યાં હોઈ ગુજરાતી ભાષાની ઘોર ખોદાવા લાગી છે. સંશોધન દર્શાવે છે કે જે વિદ્યાર્થીઓની માતૃભાષામાં મજબૂત પાયો હોય છે તેઓ બીજી ભાષા શીખવામાં વધુ સફળ થાય છે. આનું કારણ એ છે કે તેઓએ ભાષા શીખવા માટે જરૂરી જ્ઞાનાત્મક કુશળતા અને ભાષા જાગૃતિ પહેલાંથી જ વિકસાવી લીધી હોય છે. ગુણવંત શાહ હમેશાં કહે છે, અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરનારનાં બાવાના બેઉ બગડે છે. આંતરરાષ્ટ્રીય ભાષા હોઈ અંગ્રેજી આવડવી જરૂરી છે પરંતુ તે માતૃભાષાના ભોગે નહિ. શુદ્ધ વ્યાકરણીય અને શુદ્ધ ઉચ્ચારોવાળી માતૃભાષા કર્ણમંજુલ અને આકર્ષક લાગે છે. અન્ય ભાષાઓની તુલનાએ ગુજરાતી ભાષામાં નિષ્કાળજી અને નૈરાશ્ય અધિક જોવા મળે છે. માતૃભાષા સંવર્ધન માટે જે કોઈ કટિબદ્ધ હોય એને કોઈ નહિ તો શૈક્ષણિક સંસ્થાઓએ તો સહકાર અને સહાય પૂરાં પાડવાં જોઈએ.
બારડોલી          – વિરલ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top