Dahod

દાહોદ ખનિજ વિભાગ એક્શનમાં! 8 ડમ્પર સિઝ, રૂ. 1.70 કરોડનો મુદ્દામાલ જપ્ત

ફાંગીયા, દેવગઢ બારિયા-પીપલોદ અને લીમખેડા વિસ્તારમાં સઘન ચેકિંગ; બિનઅધિકૃત રેતી પરિવહન સામે કાર્યવાહી
દાહોદ, તા. 19 : દાહોદ જિલ્લાના ખાણ અને ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનિજ પરિવહન સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિભાગની ટીમ દ્વારા છેલ્લા એક અઠવાડિયા દરમિયાન મોજે ફાંગીયા, દેવગઢ બારિયા-પીપલોદ રોડ તેમજ લીમખેડા-લીમડી રોડ વિસ્તારમાં સઘન ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું. આ દરમિયાન સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત રીતે પરિવહન કરતા તેમજ જરૂરી રોયલ્ટી પાસ વિના અને ઓવરલોડ માલસામાન સાથે દોડતા કુલ 8 ડમ્પરો ઝડપાયા હતા. વિભાગે તમામ વાહનો સિઝ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ સતત દેખરેખ, ખનિજ માફિયાઓમાં ફફડાટ
ખનિજ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અંદાજે રૂ. 1 કરોડ 70 લાખ જેટલા મૂલ્યનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ગેરકાયદેસર ખનન અને ખનિજ પરિવહન સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત સતત દેખરેખ રાખવામાં આવી રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. વિભાગની આ કાર્યવાહીથી ગેરકાયદેસર ખનિજ પરિવહન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ખનિજોના નિયમોનો ભંગ કરનારાઓ સામે ભવિષ્યમાં પણ આવી જ કડક દંડકીય કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

રિપોર્ટર: વિનોદ પંચાલ

Most Popular

To Top