Vadodara

કો-ઓપરેટિવ બેંકમાં લોકર ખોલતા દંપતી ચોંકી ઉઠ્યું, 35 તોલાના દાગીના ગાયબ

વાઘોડિયા રોડ સ્થિત કોસ્મોસ કો-ઓપરેટિવ બેંકના કર્મચારીઓ શંકાના દાયરામાં
બેંકના કર્મચારી દ્વારા ગ્રાહકને ઉડાઉ જવાબ આપ્યાનો આક્ષેપ

(પ્રતિનિધિ), વડોદરા. તા.12
નાગરિકો પોતાની કિંમતી ચીજવસ્તુઓની સુરક્ષા માટે બેંક પર વિશ્વાસ રાખે છે અને તેથી જ સોનાં-ચાંદીના દાગીનાં બેંકના લોકરમાં સંગ્રહિત કરે છે. પરંતુ હવે બેંકના લોકર પણ સંપૂર્ણપણે સુરક્ષિત ન રહ્યાં હોય તેવો ચોંકાવનારો બનાવ વડોદરામાં સામે આવ્યો છે.

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી કોસ્મોસ કો-ઓપરેટિવ બેંકમાં ખાતું ધરાવતા નરેન્દ્રભાઈ શાહ અને તેમની પત્ની લોકર નંબર 1212Aનો ઉપયોગ કરતા હતા. આ લોકરમાં સોનાની બંગડી, લગડી, ચેન, બ્રેસલેટ, લૉકેટ સહિતના દાગીનાં તેમજ આશરે 10 સોનાના સિક્કા અને ચાંદીના દાગીનાં મૂકવામાં આવ્યા હતા.

તાજેતરમાં દંપતી જ્યારે બેંકમાં લોકર ખોલવા ગયા ત્યારે લોકરની અંદર રાખેલી એલ્યુમિનિયમની પેટીનું તાળું ગાયબ હોવાનું જણાયું હતું. શંકા જતા પેટી ખોલીને તપાસ કરતા સોનાના તમામ દાગીનાં ગાયબ હોવાનું બહાર આવ્યું હતું. અંદાજે 35 તોલા જેટલા સોનાના દાગીનાં લોકરમાંથી ગાયબ થતાં દંપતી અચંબામાં મૂકાઈ ગયું હતું.

આ બાબતે નરેન્દ્રભાઈ શાહે બેંકના કર્મચારીઓ અને મેનેજરને પ્રશ્ન પૂછ્યા હતા, પરંતુ સ્પષ્ટ જવાબ મળ્યો નહોતો. એટલું જ નહીં, એક કર્મચારી દ્વારા ઉડાઉ જવાબ આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. બાદમાં ગ્રાહકે બાપોદ પોલીસનો સંપર્ક કરતા પોલીસ બેંક ખાતે પહોંચી હતી અને બેંક લોકરમાંથી દાગીનાં ગુમ થવાની ઘટનાની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top