દેશભરમાં કામદાર હક્કોને લઈને ઉઠેલા સ્વરો આજે સુરત શહેરમાં પણ ગાજ્યા. ઓલ ઇન્ડિયા યુનાઇટેડ યુનિયન ટ્રેડ સેન્ટરના આહ્વાન પર દેશવ્યાપી હડતાળનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 600થી વધુ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન નોંધાયા. સુરત જિલ્લામાં પણ મોટી સંખ્યામાં કામદારો અને યુનિયન આગેવાનો એકત્ર થઈ જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો કાઢ્યો હતો.હાથમાં બેનરો અને પ્લેકાર્ડ સાથે કામદારોએ સરકારની કામદાર વિરોધી નીતિઓ સામે જોરદાર સુત્રોચ્ચાર કર્યા. નવા લેબર કોડનો વિરોધ, ન્યૂનતમ વેતનમાં વધારો, કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા, કામદારોને સામાજિક સુરક્ષા સુવિધાઓ અને પેન્શન જેવી માંગણીઓ સાથે કામદારો એકજૂટ બન્યા હતા.
યુનિયન આગેવાન રામ મોરિયા નું કહેવું છે કે નવા લેબર કોડથી કામદારોના હક્કોમાં કપાત થશે,મજુરો ની હાલત બગડશે, જે કામ ૮ કલાક નું હતું તેને વધારી ને ૧૨ કલાક કરાતા નોકરીની સુરક્ષા ઘટશે. સરકાર દ્વારા બનાવવામાં આવતી નીતિઓમાં કામદારોના હિતોને અવગણવામાં આવી રહ્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે, વધુમાં કામદારોના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે મોંઘવારી સતત વધી રહી છે, પરંતુ તેના અનુસંધાનમાં વેતન વધારો થતો નથી, જેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો પર આર્થિક બોજ વધ્યો છે.
સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચેલા પ્રદર્શનકારીઓએ પોતાની માંગણીઓ અંગે આવેદનપત્ર રજૂ કર્યું અને સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માંગણી કરી. શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં વિવિધ ઉદ્યોગોના કામદારો જોડાયા હતા.હડતાળના કારણે કેટલાક ક્ષેત્રોમાં કામકાજ પર પણ આંશિક અસર જોવા મળી હતી. સાથે જ વધુમાં યુનિયન આગેવાનો એ કહ્યું હતું કે જો સરકાર તેમની માંગણીઓ પર યોગ્ય નિર્ણય નહીં લે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની દિશામાં આગળ વધવામાં આવશે.કામદાર હક્કોની આ લડત હવે કઈ દિશામાં આગળ વધશે તે જોવું રહ્યું, પરંતુ આજના વિરોધ પ્રદર્શનથી સુરતમાં કામદારોની એકતા અને સંકલ્પ સ્પષ્ટ રીતે જોવા મળી હતી.