વડોદરા-હાલોલ રોડ પર ‘અગ્નિતાંડવ’, આસોજ પાસે ચાલતી ટ્રકમાં ભીષણ આગ, હાઇવે પર અફરાતફરી


(પ્રતિનિધિ), વડોદરા. તા.1
વડોદરા-હાલોલ રોડ પર આજે એક ગમખ્વાર અને ભયાનક ઘટના સામે આવી છે. આસોજ ગામ પાસે આવેલી નર્મદા કેનાલ નજીકથી પસાર થઈ રહેલી એક ચાલતી ટ્રકમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રકમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે તેની જ્વાળાઓ અને ગરમીને કારણે આગ રોડ પર પણ પ્રસરી ગઈ હતી. સળગતી ટ્રકને જોઈને આસપાસના વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે, ડ્રાઈવર અને ક્લીનર સમયસૂચકતા વાપરી ટ્રકમાંથી ઉતરી જતાં મોટી જાનહાનિ ટળી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આગ એટલી તીવ્ર હતી કે દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા. હાલમાં પોલીસ દ્વારા ટ્રાફિક હળવો કરવા અને આગ પર કાબૂ મેળવવા માટેની કામગીરી ચાલુ છે. પ્રાથમિક માહિતી મુજબ ટ્રકમાં કોઈ જ્વલંતશીલ પદાર્થના લીધે આગ લાગી હોવાનું અનુમાન છે. સાચી માહિતી તો પોલીસ તપાસ બાદ જ મળશે.