Vadodara

વડોદરાના યુવાનો માટે સુવર્ણ તક

આગામી દિવસોમાં યોજાશે ભવ્ય ‘રોજગાર ભરતી મેળો

(પ્રતિનિધિ), વડોદરા. તા.21

વડોદરા જિલ્લાના રોજગાર ઈચ્છુક યુવક-યુવતીઓને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની ઉત્તમ તકો પૂરી પાડવા અને વિવિધ ઉદ્યોગોની માનવબળની જરૂરિયાત સંતોષવા માટે એક વિશેષ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મદદનીશ નિયામક રોજગાર કચેરી (તરસાલી) અને યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઈન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો (UEB) ના સંયુક્ત ઉપક્રમે આ ‘રોજગાર તથા એપ્રેન્ટિસ ભરતી મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. સ્થળ પર જ પ્રાથમિક ઈન્ટરવ્યુ અને પસંદગીની પ્રક્રિયા, એપ્રેન્ટિસશીપ માટેની વિવિધ તકોની જાણકારી અને રજીસ્ટ્રેશન, રોજગારલક્ષી માર્ગદર્શન અને સરકારની વિવિધ યોજનાઓની માહિતી જેવી બાબતોમાં તાલીમ આપવામાં આવશે. સાથે એન.સી.એસ. પોર્ટલ પર નામ નોંધણી અને તેના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલ, બાયોડેટા (Resume) અને પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. વડોદરા જિલ્લાના મહત્તમ યુવાનો આ તકનો લાભ લે તે માટે મદદનીશ નિયામક (રોજગાર) દ્વારા અપીલ કરવામાં આવી છે.
જેના અંતર્ગત 21 જાન્યુઆરી 2026 ના રોજ સવારે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી ગ્રૉમેક્સ એગ્રી એક્વિપમેન્ટ લિમિટેડ, વિશ્વામિત્રી બ્રીજ નજીક વડોદરા ખાતે આઈ. ટી. આઈ. ફિટર, ડીઝલ મિકેનિકલ, ટર્નર તથા એમ.એમ.વી. ટ્રેડમાં તાલીમ પ્રાપ્ત 20 થી 30 વર્ષના પુરુષ ઉમેદવારો માટે કુલ 28 ખાલી જગ્યાઓ માટે ભરતી મેળો યોજાશે.
22 જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, પ્રથમ માળ, આઈ.ટી.આઈ.સી. બિલ્ડિંગ, આઈ.ટી.આઈ. કેમ્પસ, તરસાલી, વડોદરા ખાતે એચ.એસ.સી., આઈ.ટી.આઈ., ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા 18 થી 35 વર્ષના મહિલા તથા પુરુષ ઉમેદવારો માટે 100 થી વધુ ખાલી જગ્યાઓ માટે તેમજ 8 પાસ અથવા તેથી વધુ લાયકાત ધરાવતા મૂકૂ-બધીર તથા સ્વતંત્ર રીતે હલનચલન કરી શકે તેવા ઓર્થો દિવ્યાંગ ઉમેદવારો માટે કુલ 7 ખાલી જગ્યાઓ માટે રોજગાર ભરતી મેળો યોજાશે.
તારીખ ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સવારે 10 વાગે યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઈન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો (UEB), ચમેલીબાગ, કમાટીબાગની સામે, વડોદરા ખાતે બી.ઈ. તથા માસ્ટર ડિગ્રી લાયકાત ધરાવતા 20 થી 35 વર્ષના મહિલા તથા પુરુષ ઉમેદવારો માટે અંદાજે 50 જેટલી ખાલી જગ્યાઓ માટે ભરતી મેળો યોજાશે.
આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવાર કે નોકરીયત પાસેથી કોઈપણ પ્રકારની ફી કે ચાર્જ લેવામાં આવતો નથી, તેની તમામ ઉમેદવારો ખાસ નોંધ લેશે તેમ મદદનીશ નિયામક રોજગાર, વડોદરા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

Most Popular

To Top