

વડોદરા મહાનગરપાલિકામાં ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનના કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતનો વધુ એક કિસ્સો સપાટી પર આવ્યો છે. શહેરના વોર્ડ નંબર-4ની કચેરીમાં જ ડોર-ટુ-ડોરના ઇજારદારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ખર્ચે પોતાની ઈ-રિક્ષાઓ ચાર્જ કરવા માટે આખું ઈ-ચાર્જિંગ નેટવર્ક ઊભું કરી દીધું હોવાનો ગંભીર ખુલાસો થયો છે.
નિયમ મુજબ ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન માટે ઉપયોગમાં લેવાતા વાહનોના પેટ્રોલ, ડીઝલ કે ઇલેક્ટ્રિક ચાર્જિંગનો સમગ્ર ખર્ચ ઇજારદારે પોતે ભોગવવાનો હોય છે. છતાં વોર્ડ નંબર-4માં ઇજારદારે પાલિકાની તિજોરી પર ભાર પાડવા માટે વોર્ડ કચેરીમાં જ વીજ મીટર લગાવી ઈ-રિક્ષાઓ ચાર્જ કરાતી હતી. તાજેતરમાં લોકાર્પણ કરાયેલી નવી ઈ-રિક્ષાઓ પણ પાલિકાના વીજ બિલ પર ચાર્જ થતી હોવાની વાત સામે આવી છે.
નવાઈની વાત એ છે કે જ્યાં આ કૌભાંડ ચાલી રહ્યું હતું, ત્યાં જ પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તથા વિજિલન્સ અધિકારીની કચેરી આવેલી છે. ગેરરીતિ રોકવાની જવાબદારી ધરાવતા અધિકારીઓની જ નાક નીચે સરકારી વીજળીનો દુરુપયોગ થતો રહ્યો, છતાં તંત્ર અજાણ હોવાનું નાટક કરતું રહ્યું.
સ્થાનિક કોર્પોરેટર આશિષ જોષી એ આ મામલે ઉગ્ર વિરોધ નોંધાવતા પાલિકાના તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. કૌભાંડ બહાર આવતા જ તપાસના બદલે ઇજારદારને બચાવવાના પ્રયાસો શરૂ થયા હોય તેમ જણાયું. સેનેટરી વિભાગ અને વોર્ડ કચેરીના કર્મચારીઓએ રાતોરાત ત્યાંથી ઈ-ચાર્જિંગ સ્ટેશન હટાવી દીધું, જેના કારણે પુરાવા નાશ કરાયા હોવાની શંકા વધુ ઘેરાઈ છે.
હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે અત્યાર સુધી કેટલી ઈ-રિક્ષાઓ અહીંથી ચાર્જ થઈ અને પાલિકાને કેટલું આર્થિક નુકસાન થયું? ચાર્જિંગ સ્ટેશન તો ગાયબ કરી દેવાયું છે, પરંતુ આ કિસ્સાએ પાલિકાના વહીવટમાં ચાલી રહેલી પોલમપોલ ફરી એકવાર જનતા સામે ખુલ્લી પાડી દીધી છે.
તપાસ અને દંડની માંગ
જાગૃત નાગરિકો અને વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે:
ઇજારદાર પાસેથી અત્યાર સુધી વપરાયેલી વીજળીની રકમ દંડ સાથે વસૂલવામાં આવે.
કોન્ટ્રાક્ટરને છાવરનાર સેનેટરી ઇન્સ્પેક્ટર તથા જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય.
આવી ગેરરીતિ અન્ય વોર્ડ કચેરીઓમાં પણ ચાલી રહી છે કે નહીં, તેની વિજિલન્સ દ્વારા તપાસ કરાવવામાં આવે.