મુંબઇમાં બી.એમ.સી. હેડક્વાર્ટર સામેની ફૂટપાથ પર રહી લીંબુ–પાણી વેચવાનો ધંધો કરી કુટુંબનું ગુજરાન ચલાવતા અત્યંત ગરીબ સ્થિતિમાં રહેતા કુટુંબની સત્તર વર્ષીય મક્કમ મનોબળવાળી છોકરી આસ્મા શેખ આ પરિસ્થિતિમાં બદલાવ ઇચ્છતી હતી.
એ માટે શિક્ષણને એણે પોતાની જિંદગીનું ધ્યેય બનાવી અત્યંત કપરી પરિસ્થિતિમાં એનું ભણતર ચાલુ રાખ્યું. એના પિતાને એમના ધંધાના કામમાં દિવસ દરમિયાન થોડો સમય મદદરૂપ થઇ કુદરતી પ્રકાશમાં વાંચી રાત્રે એનો અભ્યાસ સ્ટ્રીટલાઇટના ઉજાસમાં ચાલુ રાખી એસ. એસ. સી. ની પરીક્ષા પાસ કર્યા બાદ કોઇક સજ્જન રાહદારીની મદદથી મુંબઇની કે.સી. કોલેજમાં દાખલ થઇ.
એના કુટુંબને બહેતર જિંદગી પ્રદાન કરી શકવાની એની અદમ્ય ઇચ્છાને બરકરાર રાખી એની રોજિંદી જિંદગીનાં કામો સાથે ભેટમાં મળેલાં પુસ્તકોની મદદથી અભ્યાસ ચાલુ રાખ્યો. પરંતુ કોલેજનો અભ્યાસ શરૂ કર્યાને થોડો સમય બાદ કોરોનાને કારણે લોકડાઉન જાહેર થતાં એના પિતાનો ધંધો બંધ થઇ જતાં સમગ્ર કુટુંબની આવક બંઘ થઇ ગઇ એથી એના પિતાએ થોડો સમય હમાલનું કામ કર્યું.
આ દરમિયાન કોલેજના ક્લાસો પણ બંધ થઇ જવા છતાં આ છોકરીએ હિંમત ગુમાવ્યા વિના કોઇક શુભેચ્છકે આપેલ સ્માર્ટ ફોનથી એનો અભ્યાસ કરવા માંડ્યો, જે બગડી જવા છતાં ભેટમાં મળેલાં પુસ્તકો દ્વારા મોબાઇલ વિના એનો અભ્યાસ ચાલુ રાખ્યો.
આ છોકરીનો કિસ્સો મુંબઇના કોઇક સજ્જનના ધ્યાનમાં આવતાં એમણે આ બાબતે મહારાષ્ટ્ર સરકારના નેતાનું ધ્યાન દોરતાં એમણે એ શિક્ષણપ્રેમી છોકરીને સાવિત્રી ફુલેબાઇ મહિલા છાત્રાલયમાં જગ્યા અપાવી.
શક્ય છે કે મહારાષ્ટ્રમાં તથા દેશનાં અન્ય સ્થળોએ પણ આવાં ઘણાં શિક્ષણપ્રેમી ગરીબ વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓ યોગ્ય મદદ વિના ભણતર છોડી દેતાં હશે. દેશની લોકકલ્યાણને વરેલી રાજ્ય સરકારો, સામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલી સંસ્થાઓ અને અન્યોના પ્રયત્નો આવા જરૂરિયાતમંદોને પગભર થવામાં ઘણાં મદદરૂપ થઇ શકે.
સુરત હિતેન્દ્ર ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.